નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ રવિવારે તમામ અફવાઓને નજર અંદાજ કરીને ઇંગ્લેન્ડના પ્રવાસમાં એક ટેસ્ટ અને સાઉથ આફ્રિકા સામે યોજાનારી પાંચ ટી20 મેચની સિરીઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરી દીધી છે. અપેક્ષા હતી કે રોહિત શર્માની ગેરહાજરીમાં હાર્દિક પંડ્યાને ટી20 ટીમનો કેપ્ટન બનાવવામાં આવશે, પણ ચેતન શર્માની આગેવાની હેઠળની સિલેક્શન કમિટીએ કે.એલ. રાહુલને કેપ્ટન અને રિષભ પંતને વાઇસ કેપ્ટન બનાવ્યા હતા.
ટીમમાં દિનેશ કાર્તિક ઉપરાંત અર્શદીપ સિંહ, ઉમરાન મલિક, આવેશ ખાન અને રવિ બિશ્નોઈ જેવા યુવાન ખેલાડીઓની એન્ટ્રી થઈ હતી જ્યારે કોહલી, શિખર ધવનને આરામ આપવામાં આવ્યો હતો તો હાર્દિક પંડ્યા અને કુલદીપ યાદવે કમ બેક કર્યું હતું.
બીસીસીઆઈએ ઇંગ્લેન્ડ સામેની એકમાત્ર ટેસ્ટ માટે ફોર્મમાં ચાલી રહેલા ચેતેશ્વર પૂજારાને ટીમમાં સામેલ કર્યો હતો. આ ઉપરાંત હનુમા વિહારી અને શુભમન ગીલને પણ સ્થાન આપવામાં આવ્યું છે. વિકેટકિપર તરીકે પંતની સાથે કેએસ ભરતને સામેલ કરાયો છે જાડેજા, અશ્વિન, શાર્દુલ ઠાકુર પણ ટીમમાં છે.
શિખર ધવને આઈપીએલ 2022માં શાનદાર પ્રદર્શન કર્યું હોવા છતાં સિલેકટર્સે યુવાનો પર વધારે મદાર રાખવાનું પસંદ કર્યું હતું. તેના સ્થાને દીપક હુડા અને ઋતુરાજ ગાયકવાડને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. આઈપીએલમાં સુંદર ફોર્મમાં ચાલી રહેલા હાર્દિક પંડ્યાને પણ સિલેક્ટર્સે ટીમમાં પરત બોલાવ્યો છે.
એક માત્ર ટેસ્ટ મેચ જુલાઈમાં
ટીમ ઇન્ડિયા જુલાઈમાં ઇંગ્લેન્ડ સામેની પાંચ મેચની સિરીઝ આખરી ટેસ્ટ માટે રમશે. નોંધનીય છે કે પાછલા વર્ષે ઇંગ્લેન્ડના પ્રવાસ દરમિયાન ભારતીય ટીમ કોવિડ-19 રોગચાળાના કારણે છેલ્લી ટેસ્ટ રમી શકી ન હતી. તેથી હવે સિરીઝનો નિર્ણાયક મુકાબલો યોજાશે. ભારત ચાર ટેસ્ટ પછી 2-1થી આગળ છે.
ટીમ ઇન્ડિયા સંતુલિતઃ નિષ્ણાતો
સાઉથ આફ્રિકા સામે ઘરઆંગણે નવ જૂનથી શરૂ થઈ રહેલી ટી20 સિરીઝ માટેની ટીમ ઇન્ડિયામાં કોહલી, શર્મા, બુમરાહ, શમી અને ધવન જેવા સિનિયર ખેલાડીઓને આરામ આપવા છતાં આ સિરીઝ માટે સિલેક્ટર્સ અત્યંત સંતુલિત ટીમ પસંદ કરી હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે.
ટી20 ટીમ ઇંડિયાઃ કે.એલ. રાહુલ (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, ઇશાન કિશન, દીપક હૂડા, શ્રેયસ ઐયર, રિષભ પંત (વાઇસ કેપ્ટન, વિકેટ કિપર), દિનેશ કાર્તિક (વિકેટ કિપર), હાર્દિક પંડ્યા, વૈંકટેશ ઐયર, ચહલ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, ભૂવનેશ્વર, હર્ષદ પટેલ, અવેશ ખાન, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક
ટેસ્ટ ટીમ ઇંડિયાઃ રોહિત શર્મા (કેપ્ટન), કે.એલ. રાહુલ (વાઇસ કેપ્ટન), શુભમન ગીલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, હનુમા વિહારી, ચેતેશ્વર પૂજારા, રિષભ પંત (વિકેટ કિપર) કે.એસ. ભરત (વિકેટ કિપર), રવીન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, શાર્દૂલ ઠાકુર, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, પ્રસિદ્ધ ક્રિષ્ણા.