નવી દિલ્હીઃ ચાલુ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનારા ટી-૨૦ વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રૂપમાં સ્થાન આપવામાં આવ્યું છે. બંને ટીમો સુપર-૧૨માં સીધી જ ક્વોલિફાય થઈ છે. જ્યાં તેમની વચ્ચે ગ્રૂપ મેચ રમાશે. જ્યારે ભારત અને પાકિસ્તાન ઉપરાંત ગ્રૂપ-ટુમાં ન્યૂઝિલેન્ડ અને અફઘાનિસ્તાનની સાથે બે ક્વોલિફાયર ટીમોને તક અપાશે. જ્યારે ગ્રૂપ-વનમાં ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, સાઉથ આફ્રિકા અને વિન્ડિઝની સાથે બે ક્વોલિફાયર ટીમોને સ્થાન મળ્યું છે.
યુએઈ અને ઓમાનમાં સંયુક્ત રીતે યોજાઈ રહેલા ટી-૨૦ વર્લ્ડ કપનો સંપૂર્ણ કાર્યક્રમ હજુ જાહેર થયો નથી. અલબત્ત, ટુર્નામેન્ટનો પ્રારંભ તારીખ ૧૭મી ઓક્ટોબરથી થવાનો છે. જેમાં શરૂઆતમાં ૧૨ ટીમો વચ્ચે સુપર ૧૨માં પ્રવેશવા માટે જંગ જામશે. જેમાં ટીમોને ૬-૬ના બે ગ્રૂપમાં વહેંચવામાં આવી છે અને ગ્રૂપમાં ટોચના બે સ્થાન મેળવનારી ટીમોને સુપર-૧૨માં તક મળશે. જે પછી સુપર-૧૨ના ખરાખરીના મુકાબલા તારીખ ૨૪મી ઓક્ટોબરથી શરૂ થશે.
સુપર-૧૨માં ક્વોલિફાય થવા માટે રમનારી ૧૨ ટીમોના ગ્રૂપની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. જે અંતર્ગત ગ્રૂપ-એમાં શ્રીલંકા, આયરલેન્ડ, નેધરલેન્ડ અને નામિબિયા રહેશે. જ્યારે ગ્રૂપ-બીમાં બાંગ્લાદેશ, સ્કોટલેન્ડ, પાપુઆ ન્યૂ ગિની અને ઓમાન રહેશે. બંને ગ્રૂપમાં ટોચના બે સ્થાન ધરાવતી ટીમો સુપર-૧૨માં સ્થાન પ્રાપ્ત કરશે. આઇસીસીએ જાહેરાત કરી છે કે, તેમણે ૨૦મી માર્ચ, ૨૦૨૧ના રેન્કિંગના આધારે ટીમના ગ્રૂપ નક્કી કર્યા છે.
ભારત પાકિસ્તાન વચ્ચે બે વર્ષે મેચ રમાશે
ભારત અને પાકિસ્તાનને ટી-૨૦ વર્લ્ડ કપમાં એક જ ગ્રૂપમાં મૂકવામાં આવ્યા છે. જેના કારણે બંને ટીમો ગ્રૂપ સ્ટેજમાં ટકરાશે તે નક્કી થઈ ગયું છે. આ ભારત અને પાકિસ્તાન વચ્ચે બે વર્ષ કરતાં વધુના અંતરાલ બાદની પ્રથમ મેચ હશે. બંને ટીમો છેલ્લે ૧૬મી જૂન ૨૦૧૯માં ઈંગ્લેન્ડમાં રમાયેલા વન-ડે વર્લ્ડ કપમાં માંચેસ્ટરમાં ટકરાઈ હતી. જેમાં ભારતે ૮૯ રનથી વિજય મેળવ્યો હતો.