દુબઈ: ભારતે ઓસ્ટ્રેલિયાને ત્રીજી ટી૨૦ મેચમાં સાત વિકેટે પરાજય આપીને ૩-૦થી સિરીઝ કબ્જે કરી છે. આ સાથે જ ટીમ ઇંડિયાએ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ના ટી૨૦ ક્રિકેટ રેન્કીંગમાં ટોચનું સ્થાન મેળવી લીધું છે. ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝ શરૂ થઈ તે પહેલાં આઇસીસી ટી૨૦ રેન્કીંગમાં આઠમા સ્થાને હતું. જોકે ઓસ્ટ્રેલિયાને ૩-૦થી પરાજય આપતાં ૧૨૦ પોઇન્ટ સાથે ટોચનું સ્થાન મેળવી લીધું છે.
હવે લિસ્ટમાં વેસ્ટ ઇન્ડિઝ ૧૧૮ પોઇન્ટ સાથે બીજા ક્રમે અને શ્રીલંકા ૧૧૮ પોઇન્ટ સાથે ત્રીજા ક્રમે છે. ઓસ્ટ્રેલિયા સિરીઝ પહેલાં બીજા સ્થાને હતું, પરંતુ હાર થતાં આઠમા ક્રમે ધકેલાઈ ગયું છે. ભારત હવે ટેસ્ટ અને ટી૨૦ – એમ બન્ને ફોર્મેટમાં પ્રથમ નંબર ધરાવે છે, જ્યારે વન-ડે ક્રિકેટમાં બીજા સ્થાને છે.