નવી દિલ્હીઃ ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનાર ટ્વેન્ટી૨૦ વર્લ્ડ કપનું આયોજન ભારતની બહાર થશે તે લગભગ નિશ્ચિત થઇ ગયું છે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ પણ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)ને જણાવ્યું હોવાનું મનાય છે કે જો આયોજનનો અધિકાર તેની પાસે રહેતો હોય તો ટુર્નામેન્ટ ભારત બહાર યોજવા સામે તેને કોઇ વાંધો નથી. ટુર્નામેન્ટ યુએઈનાં ત્રણ શહેરો - અબુ ધાબી, દુબઈ અને શારજાહની સાથે ઓમાનની રાજધાની મસ્કતમાં થઈ શકે છે.
બીસીસીઆઈએ સત્તાવાર જાહેરાત તો કરી નથી, પરંતુ સૂત્રોએ કહ્યું કે આયોજનનો આખરી નિર્ણય કરવા ૨૮ જૂન સુધી સમય મળ્યો છે. અમે આ ટુર્નામેન્ટ દેશની બહાર શિફ્ટ કરવા તૈયાર છીએ અને તે અંગે આઈસીસીને જણાવી દીધું છે. ટુર્નામેન્ટમાં ૧૬ ટીમ સામેલ થશે. પ્રારંભિક મેચ મસ્કતમાં રમાય તેવી શક્યતા છે. જો આઈપીએલ ૧૦ ઓક્ટોબર સુધીમાં પૂરી થઈ જશે તો યુએઈમાં ટ્વેન્ટી૨૦ વર્લ્ડ કપની મેચ નવેમ્બરથી શરૂ થઈ શકે છે. આથી પિચ તૈયાર કરવા માટે ત્રણ સપ્તાહનો સમય મળી જશે. ઓમાને પણ કહ્યું છે કે તે યજમાની માટે તૈયાર છે.
હકીકતમાં કોરોનાની બીજી લહેરને કારણે આઈપીએલને વચ્ચેથી જ રોકવાની ફરજ પડી હતી. આના પગલે ટ્વેન્ટી૨૦ વર્લ્ડ કપનું દેશમાં જ આયોજન કરવાના મુદ્દે પણ આશંકા વ્યક્ત કરાઈ હતી. બીજી લહેરમાં ભારતમાં કોરોનાના સૌથી વધુ કેસ અને મૃત્યુ નોંધાતા આ રમત દેશ બહાર યોજવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. તેના પગલે જ હવે ટી-૨૦ વર્લ્ડકપ અને આઈપીએલની બાકીની મેચ યુએઈમાં રમાડાય તેવી શક્યતા પ્રબળ બનવા પામી છે.