લંડનઃ ડર્બીશાયરના ૨૪ વર્ષીય ક્રિકેટર અને મૂળ ગુજરાતી શિવ ઠાકોરને સધર્ન ડર્બીશાયર મેજિસ્ટ્રેટ કોર્ટે હાઉસિંગ એસ્ટેટ નજીક બે મહિલા સામે ‘એક્સપોઝ’ થવાનો દોષી ગણાયો છે. શિવે પોતાના બચાવમાં જણાવ્યું હતું કે તેને પોતાને આગળ અને પાછળ ‘વ્યવસ્થિત’ કરવાની ટેવ છે. ઠાકોર ઈંગ્લેન્ડની અંડર-૧૯ ટીમ ઉપરાંત, લેસ્ટરશાયર તરફથી પણ રમ્યો છે. ડર્બી મેકવર્થમાં ૧૨ અને ૧૯ જૂને બે આરોપમાં તેની ધરપકડ કરાઈ હતી. ઠાકોરને ૨૪ નવેમ્બરે સજા જાહેર કરાશે અને ત્યાં સુધી તેને બિનશરતી જામીન પર મુક્ત કરાયો હતો. ડર્બીશાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબે શિવ ઠાકોરને હાલ સસ્પેન્ડ કર્યો છે.
ડર્બીના રિચાર્ડસન વેના રહેવાસી શિવ ઠાકોર હાઉસિંગ એસ્ટેટ નજીક જોગિંગ કરી રહ્યો હતો ત્યારે આ ઘટના ઘટી હતી. એક મહિલાએ શિવે જોગીંગ પેન્ટમાંથી પોતાને એક્સપોઝ કર્યાનો આરોપ લગાવ્યો હતો અને તેની હરકતને અશ્લીલ અને વાંધાજનક ગણાવી હતી. પ્રથમ પીડિતાએ ક્રિકેટરને ‘શિફ્ટી શિવ’ ગણાવતાં કહ્યું હતું કે શિવ પોતાને ઉત્તેજિત કરી રહ્યો હતો. બરાબર એક સપ્તાહ પછી બીજી મહિલાએ પણ આ પ્રકારનો આક્ષેપ શિવ પર લગાવ્યો હતો.
ડિસ્ટ્રિક્ટ જજ એન્ડ્રયુ મીચિને કહ્યું હતું કે, ‘તમે ઈરાદાપૂર્વક અર્ધનગ્ન થયા હોવા વિશે મને સંતોષ છે અને હું બંને આરોપ માટે તમને દોષી ગણાવું છું.’ શિવ ઠાકોરનો બચાવ કરતાં ધારાશાસ્ત્રી ઓર્લા ડાલીએ કોર્ટને જણાવ્યું હતું કે આ બંને મહિલાને ગેરસમજ થઈ હતી. જુબાની આપતા ઠાકોરે જણાવ્યું હતું કે, ‘મારી આવી ક્ષોભજનક આદત છે જેના પર રમત દરમિયાન પણ મશ્કરી થતી હતી કે મને આગળ અને પાછળ ‘વ્યવસ્થિત’ કરવું પડે છે. હું કદી એક્સપોઝ થતો નથી. આવું તો હું કદી કરું નહિ.’ અગાઉ શિવે પોલીસને જણાવ્યું હતું કે તેણે આ પ્રકારનો ગુનો આચરી શકે જ નહિ કારણકે તેની ૧૬ વર્ષની ગર્લફ્રેન્ડ સાથે જાતીય રીતે સંતુષ્ટ છે.
ડર્બીશાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબે એક નિવેદનમાં સ્પષ્ટ કર્યું હતું કે તે પોતાના ખેલાડીઓના વર્તનમાં ઉચ્ચ માપદંડની અપેક્ષા રાખે છે અને કોઈ પણ પ્રકારની જાતીય સતામણીની વિરુદ્ધ છે. જોકે, આ કેસની તપાસ કરાય ત્યાં સુધી શિવને સંપૂર્ણ પગાર સાથે સસ્પેન્ડ કરાયો હતો. હવે તેની ક્લબમાંથી હકાલપટ્ટી થઈ શકે છે.
ઠાકોરે એપ્રિલ ૨૦૧૧માં ૧૭ વર્ષની વયે લફબરો MCCU વિરુદ્ધ ખેલતા ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. તેણે અંડર-૧૫થી અંડર-૧૯ ટીમમાં ઈંગ્લેન્ડનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જાન્યુઆરી ૨૦૧૩માં સાઉથ આફ્રિકા જનારી અંડર-૧૯ ટીમના કેપ્ટન તરીકે તેની જાહેરાત કરાઈ હતી પરંતુ, પ્રથમ જ મેચમાં આંગળીએ ઈજા થયા પછી તેણે પ્રવાસ પડતો મૂકવો પટ્યો હતો. તે લેસ્ટરશાયર માટે સદી ફટકારનાર સૌથી યુવાન ખેલાડી બન્યો હતો અને નવેમ્બર ૨૦૧૦માં કાઉન્ટી સાથે ત્રણ વર્ષનો કરાર કર્યો હતો. એક વર્ષ પછી ૧૦મા વાર્ષિક બ્રિટિશ એશિયન સ્પોર્ટ્સ એવોર્ડ્સ સમારંભમાં તેણે યંગ સ્પોર્ટ્સ પર્સનાલિટી ઓફ ધ યરનો એવોર્ડ હાંસલ કર્યો હતો અને ૨૦૧૫માં ડર્બીશાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબ સાથે કરાર કર્યો હતો. જૂન મહિનામાં તેના વિરુદ્ધ આક્ષેપો લાગ્યા પછી તેણે કોઈ મેચ રમી નથી.