લંડનઃ આગામી ૨૪ જૂનથી શરૂ થઇ રહેલા આઈસીસી મહિલા વર્લ્ડ કપના પ્રથમ દિવસે ડર્બીમાં ભારત યજમાન ઇંગ્લેન્ડ સામે ટકરાશે. આ જ દિવસે બ્રિસ્ટલમાં ન્યૂઝીલેન્ડનો મુકાબલો ક્વોલિફાયર શ્રીલંકા સામે થશે.
આઈસીસીએ મહિલા વર્લ્ડ કપનું ટાઇમટેબલ જાહેર કર્યું છે. ભારત પોતાની ચાર મેચો ડર્બીમાં રમશે, જેમાં કટ્ટર હરીફ પાકિસ્તાન સામે બીજી જુલાઈએ રમાનાર મુકાબલાનો પણ સમાવેશ થાય છે. ભારત આ સિવાય ટોન્ટનમાં વેસ્ટ ઇન્ડિઝ, બ્રિસ્ટલમાં ઓસ્ટ્રેલિયા અને લેસ્ટરમાં સાઉથ આફ્રિકા સામે ટકરાશે. ઓસ્ટ્રેલિયા ૨૬ જૂનના રોજ વેસ્ટ ઇન્ડિઝ સામે મેચ રમીને વર્લ્ડ કપ અભિયાનનો પ્રારંભ કરશે.
૨૧ દિવસની ટૂર્નામેન્ટમાં ૨૮ મેચો રમાશે. વિશ્વની આઠ ટોચની ટીમો વચ્ચે રાઉન્ડ રોબિન પછી ૧૮ અને ૨૦ જુલાઈના રોજ અનુક્રમે બ્રિસ્ટલ અને ડર્બીમાં સેમિ-ફાઇનલ મુકાબલા યોજાશે. જ્યારે ૨૩ જુલાઈના રોજ લોર્ડ્સમાં ફાઇનલ મેચ રમાશે. ઇંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા સામે ૯ જુલાઈએ રમશે. જ્યારે ૧૨ જુલાઈના રોજ ડર્બીમાં ન્યૂઝિલેન્ડ સામે મુકાબલો કરશે.