નવી દિલ્હીઃ ડીઆરએસ વિવાદનો ખૂબ જ નાટકીય અંત આવ્યો છે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) દ્વારા ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવ સ્મિથ અને પીટર હેન્ડકોમ્બ સામે ડીઆરએસમાં ગેરરીતિ આચરવાની ફરિયાદ કરાઇ હતી. ટેસ્ટ દરમિયાન મેદાન ઉપર થયેલા વિવાદ અંગે વિરાટ સાથે ચર્ચા કર્યા બાદ બીસીસીઆઈએ આ વિવાદમાં બન્ને બેટ્સમેન સામે આઇસીસીમાં ફરિયાદ કરી હતી. જોકે ૧૦ માર્ચે બીસીસીઆઇએ ગમે તે કારણોસર આ ફરિયાદ પાછી ખેંચી લીધી છે.
આ નિર્ણય સંદર્ભે ભારતીય ક્રિકેટ બોર્ડના વહિવટકાર તરીકેની જવાબદારી સંભાળતાં ડાયેના એડલજીએ કહ્યું હતું કે, અમારી સાથેની મિટિંગમાં ઓસ્ટ્રેલિયન બોર્ડે કબૂલાત કરી હતી કે, આ મામલે સ્મિથની ભૂલ થઈ ગઈ હતી. અમે તમને (બીસીસીઆઇને) વિનંતિ કરીએ છીએ કે આ વાતને ભૂલીને આપણે શ્રેણીને આગળ વધારવી જોઈએ. આ પછી અમે ફરિયાદ પાછી ખેંચવાનો નિર્ણય લીધો હતો.
ભૂતપૂર્વ ભારતીય મહિલા ક્રિકેટર ડાયના એડલજીએ કહ્યું હતુ કે, ફરિયાદ પાછી ખેંચવા પાછળ અમારો બીજો કોઈ ઈરાદો નહતો. અમે માત્ર શ્રણીને કોઈ પણ વિવાદ વિના આગળ ધપાવવા ઈચ્છીએ છીએ. જેના કારણે બંને ટીમોના ખેલાડીઓ અન્ય બાબતોને બદલે માત્રને માત્ર ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે.
ડીઆરએસ વિવાદ શું છે?
બેંગ્લૂરુ ટેસ્ટ મેચના ચોથા દિવસે સ્મિથ ઉમેશ યાદવના બોલ પર એલબીડબલ્યુ થયો હતો. તે અમ્પાયરના નિર્ણય સામે ડીઆરએસ લેવા માગતો હતો, પણ ટીમ પાસે એક જ રિવ્યૂ બચ્યો હતો. જેથી તેણે ઇશારામાં ઓસ્ટ્રેલિયાના ડ્રેસિંગ રૂમમાં પૂછયું હતું કે રિવ્યૂ કરાવું કે નહીં? અમ્પાયર અને વિરાટ કોહલીએ આ જોઈને તેનો વિરોધ કર્યો હતો. ભારે વિવાદ પછી સ્ટીવે ભૂલ સ્વીકારી હતી અને રિવ્યૂ વિના પેવેલિયન પરત થયો હતો.
કોહલીનો આક્રોશ
મેચ પુરી થયા પછી વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયન કેપ્ટનના આવા વર્તનની ટીકા કરતાં તેના પર ચીટિંગનો આરોપ લગાવ્યો હતો. વિરાટે કહ્યું કે હું તેની સામે (સ્મિથ) તે શબ્દને બોલવા માગતો નથી, પણ તેણે જે કર્યું તે આ જ (ચીટિંગ) હતું. કોહલીએ જણાવ્યું કે અમે ઓસ્ટ્રેલિયાના આવા વર્તનની ફરિયાદ પહેલા જ મેચ રેફરી અને અમ્પાયરને કરી હતી. આ ટેસ્ટમાં ત્રણ દિવસથી આવું કરી રહ્યા હતા.
ભારત-ઓસ્ટ્રેલિયા સામસામે
ડીઆરએસ મુદ્દે વિવાદ બાદ પરિસ્થિતિ વણસી ગઇ હતી. આ વિવાદમાં કોહલીએ હરીફ કેપ્ટન સ્મિથને ચિટર કહેતા બન્ને ટીમના બોર્ડ બીસીસીઆઇ અને ઓસ્ટ્રેલિયા (સીએ) આમનેસામને આવી ગયા હતા. બીસીસીઆઇએ કોહલીને સમર્થન આપતાં જણાવ્યું હતું કે ભારતીય ક્રિકેટ બોર્ડ ચર્ચા કર્યા બાદ તથા પૂરા પ્રકરણનો વીડિયો રિપ્લે જોયા બાદ કેપ્ટનની સાથે છે. બીજી તરફ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ સ્ટિવ સ્મિથના ડીઆરએસ માટે ડ્રેસિંગરૂમ તરફ જોવાના મામલે તેનો લૂલો બચાવ કરીને પોતાના કેપ્ટન સામે થયેલા આક્ષેપોને વાહિયાત ગણાવ્યા હતા.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ જણાવ્યું હતું કે ડીઆરએસના મામલે અમે સ્ટિવની સાથે છીએ. ડ્રેસિંગરૂમ તરફ જોવું તે કોઇ ખોટી રણનીતિ નહોતી. સ્મિથ શાનદાર ક્રિકેટર તથા વ્યક્તિ છે. સ્મિથે ખોટો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો તે બાબતને અમે નકારીએ છીએ. તે યુવા ખેલાડી માટે આદર્શ છે અને પૂરી ટીમને તેના પર ગર્વ છે.
આ પછી ભારતીય ક્રિકેટ બોર્ડે જણાવ્યું હતું કે કોહલી પરિપકવ તથા અનુભવી ક્રિકેટર છે. મેદાનમાં તેનું વર્તન પણ શાનદાર રહ્યું છે. કોહલીની દલીલને આઇસીસી એલિટ પેનલના અમ્પાયર નાઇજલ લોંગે પણ સમર્થન આપ્યું હતું. કોહલીએ સ્મિથને અયોગ્ય સહાયતા લેવાથી રોક્યો હતો તેમાં કશું ખોટું નથી. બાકીની મેચોમાં ખેલદિલીથી રમાશે તેવી અમને આશા છે.