સુલ (બ્રાઝીલ): ભારતીય ગોલ્ફર દીક્ષા ડાગરે બ્રાઝિલના સુલમાં રમાયેલી ડેફેલિમ્પિક્સ ગોલ્ફ ઇવેન્ટની ફાઈનલમાં અમેરિકાની એશલિન ગ્રેસને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો છે. મૂકબધિર ઓલિમ્પિકમાં દીક્ષાનો આ બીજો મેડલ છે. આ પહેલા તેણે 2017માં પણ સિલ્વર મેડલ જીત્યો હતો. આ પ્રકારની ઓલિમ્પિકમાં બે મેડલ જીતનાર તે ભારતની પ્રથમ ગોલ્ફર બની છે. યુરોપિયન ટૂરમાં ભાગ લેનાર 21 વર્ષીય દીક્ષાએ વિમેન્સ ગોલ્ફ ઇવેન્ટની મેચ પ્લે કેટેગરીની ફાઈનલમાં 5-4ના સ્કોરથી વિજય મેળવ્યો હતો. ઇવેન્ટમાં ચાર હોલની ગેમ બાકી હતી ત્યારે દીક્ષાએ પાંચમા હોલ ઉપર જ ગોલ્ડ મેડલ પોતાના નામે કરી લીધો હતો.
મૂકબધિર ઓલિમ્પિકમાં 2017માં પ્રથમ વખત ગોલ્ફનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને દીક્ષાએ આસાનીથી ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. જોકે અમેરિકાની યોસ્ટ કેલિને તેને હરાવીને ગોલ્ડ જીત્યો હતો. દીક્ષાએ 2021માં યોજાયેલી ટોક્યો ઓલિમ્પિક માટે પણ ક્વોલિફાય કર્યું હતું અને તે લેડીઝ યુરોપિયન ટૂર ટાઇટલ જીતી ચૂકી છે. ફ્રાન્સની માર્ગો બ્રેજોએ અત્યંત રોમાંચક મુકાબલામાં 2017ની બ્રોન્ઝ મેડાલિસ્ટ નોર્વેની આન્દ્રિયા હોવ્સટીન હેલેગેર્ડેને ત્રીજા પ્લે ઓફમાં હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.