લંડનઃ આંતરરાષ્ટ્રીય ફૂટબોલ ખેલાડી અને ઇંગ્લેન્ડની ટીમના પૂર્વ કેપ્ટન ડેવિડ બેકહામ પર ડ્રાઇવિંગ બેન લગાવાયો છે. બેકહામ હવે ૬ મહિના સુધી કાર નહીં ચલાવી શકે. આ ઉપરાંત તેને ૭૫૦ પાઉન્ડનો દંડ પણ ફટકારાયો છે. તેની સામે કાર ચલાવતા સમયે ફોન વાપરવાનો આરોપ હતો. ૪૩ વર્ષીય બેકહામે કોર્ટમાં આરોપોનો સ્વીકાર કરી લીધો હતો. બેકહામને ગત વર્ષ નવેમ્બરમાં સેન્ટ્રલ લંડનમાં ડ્રાઇવિંગ કરતા સમયે ટ્રાફિક પોલીસે પકડ્યો હતો. ત્યારે ફોન પર વાત કરતા સમયે ૯૦ લાખ રૂપિયાની બેંટલે ચલાવી રહ્યો હતો. તેના ડ્રાઇવિંગ લાઈસન્સ પર અગાઉથી ૬ પોઈન્ટ હતા. આ ઘટના બાદ તેના ૧૨ પોઇન્ટ થઈ ગયા. બેકહામ ગત જાન્યુઆરીમાં પણ ઓવર સ્પીડે કાર ચલાવવાના આરોપમાં પકડાયો હતો. બેકહામ પર ૧૯૯૯માં પણ ૮ મહિનાનો ડ્રાઇવિંગ બેન લાગ્યો હતો. ત્યારે તેણે પાપારાઝી ફોટોગ્રાફરથી બચવા ઝડપી કાર ચલાવી હતી.