કોલકતાઃ ભારતની મેન્સ ટેનિસ ટીમના સ્ટાર ખેલાડીઓ ડેવિસ કપની એશિયા-ઓસેનિયા ગ્રૂપ વન-ટાઈ રમવા માટે પાકિસ્તાનનો પ્રવાસ ખેડશે. ટીમમાં રોહન બોપન્ના સહિતના ખેલાડીઓનો સમાવેશ થાય છે. ભારત અને પાકિસ્તાને ઈસ્લામાબાદમાં ૧૪ અને ૧૫ સપ્ટેમ્બરે ડેવિસ કપની ઝોનલ ટાઈ રમવાની છે. આ અંગે અનિશ્ચિતતા દૂર કરતાં ઓલ ઈન્ડિયા ટેનિસ એસોસિએશને જાહેરાત કરી છે કે, ભારતની ટીમ પાકિસ્તાનમાં મેચ રમવા જશે. ઉલ્લેખનીય છે કે, ૧૯૬૪ બાદ પહેલી વખત ભારતની ડેવિસ કપ ટીમ પાકિસ્તાનના પ્રવાસે જશે.
ભારતવિરોધી આતંકવાદને ઉત્તેજન આપતા પાકિસ્તાનને સબક શીખવાડવા માટે ભારતે તેની સાથે ક્રિકેટ સહિતના તમામ દ્વિપક્ષીય રમત સંબંધો કાપી નાંખ્યા છે. અલબત્ત, આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં બંને દેશોની ટીમો આમનેસામને રમતી જ હોય છે. ઓલ ઈન્ડિયા ટેનિસ એસોસિએશને પણ આ જ દલીલ કરતાં જણાવ્યું છે કે, ડેવિસ કપ એક આંતરરાષ્ટ્રીય સ્પર્ધા છે અને તેના નિયમો અનુસાર ભારતીય મેન્સ ટેનિસ ટીમ પાકિસ્તાન રમવા જઈ રહી છે. આ કોઈ દ્વિપક્ષીય ટૂર્નામેન્ટ નથી.