લોસ એન્જલસઃ ગ્લેમરસ ટેનિસ પ્લેયર અને પૂર્વ નંબર વન ખેલાડી મારિયા શારાપોવાએ ઓસ્ટ્રેલિયન ઓપન દરમ્યાન પ્રતિબંધિત ડ્રગ્સનું સેવન કર્યું હોવાનો સનસનીખેજ ખુલાસો કર્યો છે. શારાપોવાએ સોમવારે પત્રકાર પરિષદમાં કબૂલ્યું હતું કે ઓસ્ટ્રેલિયન ઓપન દરમિયાન હું બે વખત ડોપ ટેસ્ટમાં ફેઇલ થઈ હતી. આ કબૂલાત બાદ હવે ઇન્ટરનેશનલ ટેનિસ ફેડરેશને શારાપોવા પર અનિશ્ચિત મુદતનો પ્રતિબંધ મુકી દીધો છે.
શારાપોવાનું કહેવું હતું કે હં ૨૦૦૬થી મેલડોનિયમ નામની દવાનું સેવન કરતી હતી. પરંતુ અચાનક જ તેને ૨૦૧૬ની પ્રતિબંધિત દવાના લિસ્ટમાં સામેલ કરી દેવામાં આવી હતી, જેના કારણે મારો ડોપ ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો.
એક આંશકા વ્યક્ત કરાઈ રહી છે કે રશિયન ટેનિસ સ્ટાર પર ચાર વર્ષનો પ્રતિબંધ મુકાઈ શકે છે. બીજી તરફ શુઝ કંપની નાઈકીએ શારાપોવા સાથેનો ૭૦ મિલિયન ડોલરનો કોન્ટ્રાક્ટ રદ કરી દીધો છે.
ડ્રગ ટેસ્ટમાં મારિયા શારાપોવા ફેઈલ જતાં હવે તેની કેરિયર સામે પ્રશ્નાર્થ મૂકાઇ ગયું છે. રશિયન ટેનિસ ખેલાડી મારિયા શારાપોવાની લોકપ્રિયતા આખા જગતમાં છે. એ રશિયાની એકમાત્ર મહિલા છે, જેણે ટેનિસમાં કરિયર ગ્રાન્ડ સ્લેમની સિદ્ધિ મેળવી હોય. મતલબ કે ટેનિસની ચારેય મેજર ટુર્નામેન્ટ એક પછી એક તુરંતની સિઝનમાં જીતી હોય.
દવા શા માટે પ્રતિબંધિત?
દવાઓની વેબસાઇટ ગ્રિંડેકના અનુસાર મિલ્ડોનિયમ લોકોની શારીરિક તથા દિમાગની ક્ષમતાને વધારે છે. સ્વસ્થ લોકો પણ પોતાની ક્ષમતા વધારવા માટે આ દવાનો ઉપયોગ કરે છે. ઓક્સિજન તથા સહનશક્તિમાં વધારો થતો હોવાના કારણે મિલ્ડોનિયમ માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
મિલ્ડોનિયમ નામની દવાનો ઉપયોગ માથાના દુઃખાવો, હાર્ટ એટેક અથવા તો ડાયાબિટીસ જેવા રોગની સારવાર માટે કરવામાં આવે છે, પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે ખેલાડીઓ આ દવાનો ઉપયોગ પોતાની ક્ષમતા વધારવા માટે કરે છે.
પ્રતિબંધિત શા માટે?
વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સી દ્વારા મિલ્ડોનિયમની અસર અને તેના ઉપયોગની તપાસ કર્યા બાદ તેની પર પહેલી જાન્યુઆરી, ૨૦૧૬થી પ્રતિબંધ લાદી દીધો હતો. ‘વાડા’એ પ્રતિબંધ લગાવવાના ત્રણ મહિના પહેલાં આ બાબતની જાણકારી આપી હતી. ભૂતકાળમાં ટેનિસની રમતમાં જ ૨૦૧૩માં મારિન સિલિચને પ્રતિબંધિત દવાનું સેવન કરવાના મામલે નવ મહિના માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો. જ્યારે માર્ટિના હિંગિસને ૨૦૦૭માં કોકેઇનનું સેવન કરવા બદલે બે વર્ષના પ્રતિબંધનો સામનો કરવો પડ્યો હતો.
મારિયા શારાપોવાના જીવનની રસપ્રદ વાતો
• મારિયાની ઊંમર હજુ માત્ર ૨૮ વર્ષ છે. રશિયાના બર્ફીલા પ્રાંત સર્બિયામાં તેનો જન્મ થયો હતો અને અત્યારે અમેરિકાના ફ્લોરિડમાં રહે છે.
• તેના સૌંદર્ય સાથે તેની ઊંચાઈ પણ ધ્યાન ખેંચે એવી છે. એ ૬ ફીટ ૨ ઈંચ ઊંચી છે, જેનો તેને ટેનિસ રમતી વખતે બહુ લાભ થાય છે.
• અત્યારે એ જગતની નંબર સાત ખેલાડી છે, પણ ૨૦૦૫માં એ પ્રથમ ક્રમાંકે રહી ચૂકી છે.
• બે વર્ષની બાળકી હતી ત્યારથી મારિયા ટેનિસ રમતી આવે છે.
• વર્ષ ૨૦૦૧થી તે પ્રોફેશનલી ટેનિસ રમે છે.
• વર્ષ ૨૦૦૪માં એ વિમ્બલન્ડન જીતનારી પ્રથમ રશિયન બની હતી, ત્યારે તેની ઊંમર હતી ૧૭ વર્ષ માત્ર.
• સ્પોર્ટસ ક્ષેત્રે મારિયાનો સમાવેશ સૌથી ધનવાન મહિલા ખેલાડીમાં થાય છે.
• ફેસબૂકમાં તેના ૧.૫ કરોડથી વધારે ફેન છે, જે કોઈ પણ એથ્લીટ કરતાં વધારે છે.
• તેને ગીત ગાવાનું, ફિલ્મો જોવાનું, ડાન્સ કરવાનું પસંદ છે.
• ૧૯૯૪માં મારિયા તેના પિતા સાથે અમેરિકા માઈગ્રન્ટ થઈ હતી. એ વખતે તેની માતાને વિઝા મળ્યા નહોતા. તેની માતાને છેક બે વર્ષ પછી ૧૯૯૬માં વિઝા મળ્યા હતા.
• શેરલોક હોમ્સ સિરીઝના પુસ્તકો તેના ફેવરિટ છે.