લંડનઃ રશિયાની મહિલા ટેનિસ ખેલાડી મારિયા શારાપોવા ડોપ ટેસ્ટમાં નિષ્ફળ રહેતા ઇન્ટરનેશનલ ટેનિસ ફેડરેશન (આઈટીએફ)એ તેના પર બે વર્ષનો પ્રતિબંધ લાદી દીધો છે. શારાપોવાએ જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયન ઓપન દરમિયાન પ્રતિબંધિત પદાર્થ મેલડોનિયનનું સેવન કર્યું હોવાનો આરોપ લાગ્યો હતો. આ પછી માર્ચમાં તેની ઉપર કામચલાઉ પ્રતિબંધ મૂકાયો હતો.
ઉલ્લેખનીય છે કે મેલડોનિયમ ઉપર એક જાન્યુઆરીથી પ્રતિબંધ અમલમાં છે. શારાપોવાએ કહ્યું હતું કે, તે આરોગ્યના કારણોસર ૨૦૦૬થી આ પદાર્થનું સેવન કરી રહી હતી. પાંચ વખત ગ્રાન્ડ સ્લેમ જીતી ચૂકેલી શારાપોવાએ કહ્યું કે, આ નિર્ણયના વિરોધમાં તે અપીલ કરશે.
આઈટીએફે એક નિવેદનમાં કહ્યું કે, ૨૦૧૬ એન્ટી-ડોપિંગ કાર્યક્રમ હેઠળ મારિયા શારાપોવા કલમ ૨.૧ અનુસાર દોષિત સાબિત થઇ છે. આથી તેને અયોગ્ય જાહેર કરવામાં આવે છે અને જાન્યુઆરી ૨૦૧૬થી અમલી બને તે રીતે બે વર્ષ માટે પ્રતિબંધ લદાયો છે.
શારાપોવાને આ વર્ષે ઓગસ્ટમાં થનાર રિયો ઓલિમ્પિકની રશિયાની ટીમમાં સામેલ કરવામાં આવી હતી. શારાપોવાએ તેના ફેસબુક એકાઉન્ટ ઉપર લખ્યું છે કે, મારા ઉપર લાગેલા બે વર્ષના પ્રતિબંધથી સાબિત થાય છે કે, મેં આ ઈરાદાપૂર્વક નથી કર્યું. ટ્રિબ્યુનલે પોતાની તપાસમાં જાણ્યું છે કે, આ પદાર્થનું સેવન મેં મારા પ્રદર્શનને સુધારવા માટે કર્યું નથી.
શારાપોવાએ લખ્યું છે કે, તમારે એ જાણવું જોઇએ કે આઈટીએફે મારા ઉપર ચાર વર્ષનો પ્રતિબંધ લગાવાનું કહ્યું હતું, પરંતુ ટ્રિબ્યુનલે તેમની વાત ફગાવી દીધી હતી. ટ્રિબ્યુનલે કહ્યું કે શારાપોવાએ ઇરાદાપૂર્વક ડોપિંગ નિયમો ઉલ્લંઘન કર્યું નથી. તેથી બે વર્ષના પ્રતિબંધને સ્વીકારીશ નહીં. હું આ નિર્ણયના વિરોધમાં સ્પોર્ટ્સ આર્બિટ્રેશન કોર્ટમાં અપીલ કરીશ.