બુડાપેસ્ટઃ અમેરિકાના ૨૦ વર્ષીય નવોદિત સ્વિમિંગ સ્ટાર સેલેબ ડ્રૈસેલે વિશ્વના મહાન સ્વિમર માઇકલ ફેલ્પ્સના એક જ ચેમ્પિયનશિપમાં સાત ગોલ્ડ મેડલ જીતવાના વર્લ્ડ રેકોર્ડની બરોબરી કરી લીધી છે. આ સાથે સેલેબે સાત ગોલ્ડ મેડલ સાથે ૧૭મી વર્લ્ડ ફિના એક્વેટિક ચેમ્પિયનશીપનું સમાપન કર્યું હતું. વર્લ્ડ ચેમ્પિયનશિપના અંતિમ દિવસે ડ્રૈસેલે ડૂના એરિના ખાતે ચાર બાય ૧૦૦ મીટર મિડલે રિલે બટરફ્લાય રાઉન્ડમાં શાનદાર પ્રદર્શન કરીને અમેરિકન ટીમને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો જે આ ચેમ્પિયનશીપમાં તેનો સાતમો ગોલ્ડ હતો. ફિના ચેમ્પિયનશીપમાં અમેરિકાએ કુલ ૩૮ ગોલ્ડ જીત્યા હતા અને આ ચેમ્પિયનશિપમાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું છે. બ્રિટન સાત મેડલ સાથે બીજા ક્રમે રહ્યું હતું.
એક જ સેશનમાં ત્રણ ગોલ્ડ જીત્યો
ગયા સપ્તાહે શનિવારે ડ્રૈસેલે એક જ સેશનમાં ત્રણ ગોલ્ડ જીતનાર પ્રથમ સ્વિમર તરીકેની સિદ્ધિ મેળવી હતી. તેણે ૫૦ તથા ૧૦૦ મીટર ફ્રી સ્ટાઇલ અને ૧૦૦ મીટર બટરફ્લાયમાં ગોલ્ડ જીતવા ઉપરાંત ચાર રિલે ગોલ્ડ પણ હાંસલ કર્યા હતા. તેણે ચાર બાય ૧૦૦ મીટર ફ્રી સ્ટાઇલ, ચાર બાય ૧૦૦ મીટર મિક્સ ફ્રી સ્ટાઇલ, ચાર બાય ૧૦૦ મીટર મિક્સ મિડલે તથા ચાર બાય ૧૦૦ મીટર મિડલે રિલેમાં પણ ગોલ્ડ જીત્યા હતા.