અમદાવાદઃ ગુજરાતના પ્રથમ ગ્રાન્ડ માસ્ટર તેજસ બાકરેએ નવી દિલ્હીમાં યોજાયેલી કોમનવેલ્થ ચેસ ચેમ્પિયનશીપના ઓપન વિભાગમાં નિર્ણાયક વિજય સાથે બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. આ સાથે તેજસ કોમનવેલ્થ ચેસની અત્યંત મુશ્કેલી ઓપન કેટેગરીમાં મેડલ જીતનારો પ્રથમ ગુજરાતી બન્યો છે.
કોમનવેલ્થ ચેસ ચેમ્પિયનશીપમાં જુદા જુદા દેશોના ૧૦૦થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં ગુજરાતના ગ્રાન્ડ માસ્ટર તેજસ બાકરેએ અજેય રહેતા સંભવિત નવમાંથી સાત પોઈન્ટ મેળવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેજસની સિદ્ધિ એટલા માટે મહત્ત્વની છે કારણ કે ટુર્નામેન્ટમાં ૧૫ ગ્રાન્ડ માસ્ટર્સે ભાગ લીધો હતો, અને તેમાં તેજસને ૧૫મો ક્રમ અપાયો હતો. જોકે, તેણે હાયર રેન્કના ખેલાડીઓને હંફાવતા ત્રીજો ક્રમ મેળવ્યો હતો. નોંધપાત્ર છે કે, તેજસ ગુજરાતનો પ્રથમ નેશનલ ચેમ્પિયન, એશિયન ચેમ્પિયન, વર્લ્ડ યુથ ચેમ્પિયન, ઈન્ટરનેશનલ માસ્ટર અને ઈન્ટનેશનલ ગ્રાન્ડ માસ્ટર રહી ચૂક્યો છે.