નવી દિલ્હીઃ અફઘાનિસ્તાનના જાદુઇ સ્પિનર રાશિદ ખાને ટ્વેન્ટી૨૦ ક્રિકેટમાં શાનદાર સિદ્ધિ હાંસલ કરી છે. અફઘાન લેગ સ્પિનર રાશિદ અત્યારે કેરેબિયન પ્રીમિયર લીગમાં રમી રહ્યો છે અને આ દરમિયાન તેણે ટી૨૦ લીગ ક્રિકેટમાં ૩૦૦ વિકેટ પૂરી કરીને નવો રેકોર્ડ નોંધાવ્યો છે. રાશિદે એક સાથે ત્રણ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યા છે. તે ટી૨૦ ક્રિકેટમાં સૌથી ઓછી મેચોમાં ૩૦૦ વિકેટ પૂરી કરનાર પ્રથમ બોલર બન્યો છે. સૌથી નાની વયે તે ૩૦૦ વિકેટ ઝડપનાર પ્રથમ બોલર પણ છે.
ટી૨૦ ક્રિકેટમાં રાશિદે ૨૧૩ મેચોમાં ૩૦૦ વિકેટ હાંસલ કરી છે. અન્ય કોઈ બોલરે આટલી ઓછી મેચોમાં ૩૦૦ વિકેટ પૂરી કરી નથી. આ સિદ્ધિ તેણે ૨૧ વર્ષ ૩૩૫ દિવસની વયે પ્રાપ્ત કરી છે. એક રીતે આ પણ વર્લ્ડ રેકોર્ડ છે કારણ કે આટલી વયે તો તમામ ક્રિકેટર્સ લગભગ રમવાનું ચાલુ કરતા હોય છે. ટી૨૦માં ડેબ્યૂ કરવાના ચાર વર્ષ અને ૩૩૮ દિવસમાં જ તેણે ૩૦૦ વિકેટ પૂરી કરી છે.
ઉલ્લેખનીય છે કે રાશિદ ખાન ભારતમાં આઇપીએલ, ઓસ્ટ્રેલિયામાં બિગ બેશ, પાકિસ્તાનમાં પીકેએલ, વેસ્ટ ઇન્ડિઝમાં સીપીએલ તથા વિશ્વની અલગ અલગ ટી૨૦ લીગમાં ક્રિકેટ રમે છે. તેણે ૨૧૧ ઇનિંગ્સમાં બોલિંગ કરી છે. રન બનાવવાના મામલે તે ઘણો પાછળ છે. બેટ્સમેન તરીકે તેણે ૧૧૦ ઇનિંગ્સમાં માત્ર ૯૦૫ રન બનાવ્યા છે.