ત્રિકોણીય સિરિઝઃ ટીમ ઇંડિયાનો સતત બીજી વન-ડેમાં પરાજય

Wednesday 21st January 2015 07:03 EST
 
 

બ્રિસબેનઃ ઓસ્ટ્રેલિયા સામેની સિરિઝમાં કારમા પરાજય પછી ત્રિકોણીય સિરિઝમાં પણ ટીમ ઇંડિયાનો નબળો દેખાવ ચાલુ રહ્યો છે. ટુર્નામેન્ટની પહેલી મેચમાં ઓસ્ટ્રેલિયા સામે પરાજય બાદ મંગળવારે ઇંગ્લેન્ડ સામે રમાયેલી બીજી મેચમાં પણ પરાજય ખમવો પડ્યો છે. બ્રિસ્બેનમાં રમાયેલી આ મેચમાં ઇંગ્લેન્ડે નવ વિકેટે ભારતને હરાવ્યું હતું. ભારતીય બેટ્સમેનોનો ધબડકો ટીમને પરાજયના પંથે દોરી ગયો હતો.
ટીમ ઇંડિયા તરફથી સર્વોચ્ચ ૪૪ રન સ્ટુઅર્ટ બિન્નીએ નોંધાવ્યા હતા. આ સિવાય કેપ્ટન ધોની (૩૪) અને રહાણે (૩૩)નું મહત્ત્વનું યોગદાન હતું. મોટા ભાગના બેટ્સમેન બે આંકડાનો સ્કોર કરવામાં પણ નિષ્ફળ રહ્યા હતા. ઇંગ્લેન્ડ તરફથી ફિને સૌથી આક્રમક બોલિંગ કરતાં પાંચ વિકેટ ઝડપી હતી જ્યારે એન્ડરસને ચાર વિકેટ ઝડપી હતી. ભારતનો દાવ ૩૯.૩ ઓવરમાં સમેટાઇ ગયો હતો. આની સામે ઇંગ્લેન્ડે મેચ જીતવા માટેનો જરૂરી લક્ષ્યાંક ૨૭.૩ ઓવરમાં એક વિકેટના ભોગે હાંસલ કરી લીધું હતું. ઇંગ્લેન્ડ તરફથી ઇયાન બેલે ૮૮ અને ટેલરે ૫૬ ફટકારીને ટીમનો વિજય પાક્કો કર્યો હતો.
ઓસ્ટ્રેલિયાએ ભારતને પછાડ્યું
ઓસ્ટ્રેલિયાએ ૧૮ જાન્યુઆરીની મેચમાં ભારત સામે ચાર વિકેટે વિજય મેળવ્યો હતો. એરોન ફિન્ચના આત્મવિશ્વાસથી ભરપૂર ૯૬ રન બાદ ઓસ્ટ્રેલિયા એક સમયે બે વિકેટે ૨૧૬ રન સાથે ખૂબ જ સારી સ્થિતિમાં હતું પરંતુ ભારતે પછીથી વળતી લડત આપતા કેટલીક ઝડપી વિકેટો ખેરવી નાખી હતી.
ભારતે સ્ટીવન સ્મિથ (૪૭), ફિન્ચ અને જ્યોર્જ બેઈલી (૫)ની વિકેટો ૨૩ બોલમાં ખેરવીને ભારતના વિજયની તક ઊભી કરી હતી. જોકે બ્રેડ હેડિન (૧૩) અને જેમ્સ ફોકનર (૯)એ સંયમપૂર્વક બેટિંગ કરતા ટીમને નાટ્યાત્મક વિજય અપાવ્યો હતો. યજમાન ટીમે ૪૯ ઓવરમાં છ વિકેટે ૨૬૯ રન કર્યા હતા. ભુવનેશ્વર કુમારના બોલમાં ફોકનરે વિજયી બાઉન્ડ્રી ફટકારી હતી. ભારતે પહેલા બેટિંગ કરતા આઠ વિકેટે ૨૬૭ રન કર્યા હતા. જેમાં રોહિત શર્માએ છઠ્ઠી વન-ડે સદી ફટકારતા ૧૩૮ રન કર્યા હતા.
ઇંગ્લેન્ડનો પરાજય
કાર્લટન ત્રિકોણીય શ્રેણીની ૧૬ જાન્યુઆરીએ રમાયેલી પ્રથમ વન-ડેમાં ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને ત્રણ વિકેટે પરાજય આપ્યો હતો. ટેસ્ટ શ્રેણીમાં શાનદાર દેખાવ કરનારા વોર્નરે વન-ડેમાં પણ તેનું ફોર્મ જાળવી રાખતા શાનદાર સદી ફટકારી હતી. મેન ઓફ ધ મેચ વોર્નરે ૧૧૫ બોલમાં ૧૨૭ રનની ઇનિંગ રમી હતી. પ્રથમ બેટિંગ કરતા ઇંગ્લેન્ડની શરૂઆત ખરાબ હતી. ઇંગ્લેન્ડની ટીમે ૬૯ રનમાં જ ટોચના પાંચ ખેલાડીઓની વિકેટ ગુમાવી હતી. જોકે, કેપ્ટન મોર્ગને ૧૩૬ બોલમાં ૧૨૧ રનની ઇનિંગ રમતા ઇંગ્લેન્ડની ટીમે ૨૩૪ રનનો સ્કોર કર્યો હતો. ઓસી. તરફથી સ્ટાર્કે ૪૨ રનમાં ચાર વિકેટ ઝડપી હતી. ઓસી. ટીમે વોર્નરના ૧૨૭ રન અને સ્મિથના ૩૭ રનની ઇનિંગને સહારે માત્ર ૩૯.૫ ઓવરમાં ૨૩૫ રનનો લક્ષ્યાંક ચેઝ કરી લીધો હતો. ઇંગ્લેન્ડ તરફથી ક્રિસ વોક્સે ૪૦ રનમાં ૪ વિકેટ ઝડપી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter