મુંબઈઃ આઈપીએલની 15મી સિઝન નજીક આવી ગઈ છે ત્યારે બ્રોડકાસ્ટર સ્ટાર ડિઝની પણ ક્રિકેટ ચાહકોને ઉચ્ચ સ્તરીય મનોરંજન પૂરું પાડવા માટે સજ્જ છે. આઇપીએલ 2022ની સિઝનમાં ગુજરાતી સહિત વિવિધ આઠ ભાષાઓમાં કુલ 80 જેટલા કોમેન્ટ્રેટર્સની ટીમ કોમેન્ટરી આપશે. આ વખતે કોમેન્ટરરી બોક્સમાં ક્રિકો રોબોટનો પણ ઉપયોગ કરાશે. ડિઝની સ્ટારના સ્પોર્ટ્સ હેડ સંજોગ ગુપ્તાએ જણાવ્યું હતું કે ક્રિકો રોબોટ કોમેન્ટેટર્સ દ્વારા માગવામાં આવતી તમામ માહિતી 30 સેકન્ડમાં જ પૂરી પાડશે. ઉદાહરણ તરીકે બુમરાહ છેલ્લી પાંચ ઓવરમાં કેટલા સ્લોઅર બોલ નાખે છે તેની માહિતી તરત જ ક્રિકો પૂરી પાડશે. આ ઉપરાંત આ વખતે થ્રી-ડી ટેલિકાસ્ટ પણ કરાશે અને તેની સાથે સાઉન્ડની ક્વોલિટી ઉપર પણ વધારે ધ્યાન આપવામાં આવ્યું છે. સાઉન્ડ ટેકનિકમાં સુધારો કરીને તેને ડોલ્બી એટમોસ સિસ્ટમમાં ફેરવાઇ હોવાથી ઘેર બેઠાં પણ થિયેટરમાં બેસીને મેચ નિહાળતા હશો તેવી ફીલિંગ આવશે.
ગુજરાતી ભાષામાં કોમેન્ટ્રી
ગુજરાત ટાઈટન્સની ટીમના સંદર્ભમાં સ્ટાર ડિઝનીના અધિકારીએ જણાવ્યું હતું કે ગુજરાતની ટીમની તમામ ૧૪ મેચ સહિત પ્લેઓફ અને ફાઈનલમાં અમે ગુજરાતીમાં કોમેન્ટરી આપવાના છીએ. જેમાં નયન મોંગિયા, ઇરફાન પઠાણ તથા કિરણ મોરે જેવા ક્રિકેટર્સનો પેનલમાં સામેલ કરવામાં આવ્યો છે. ગુજરાત એટલે ડાંડિયા રાસનું રાજ્ય, આ બાબતને ધ્યાનમાં રાખીને સ્ટાર ડિઝની સ્પોર્ટ્સ દ્વારા સંભવિત રિવરફ્રન્ટ ઉપર રાસગરબાની રમઝટ પણ બોલાવી
શકીએ છીએ.