મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમના સાઉથ આફ્રિકા પ્રવાસનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે ત્યારે જ ટીમ મોટી મુસીબતમાં ફસાઇ છે. થ્રો-ડાઉન દરમિયાન કાંડામાં ગંભીર ઇજા થતાં અનુભવી ઓપનર રોહિત શર્માને ટેસ્ટ સીરિઝ પડતી મૂકવાની ફરજ પડી છે. તેના સ્થાને ગુજરાતના પ્રિયાંક પંચાલને ટીમમાં સ્થાન અપાયું છે.
રોહિત અને ભારતીય ટીમના ઘણા ખેલાડીઓ મુંબઈમાં પ્રેક્ટિસ કરી રહ્યા હતા. તે વેળા એક બોલ સીધો રોહિતને હાથમાં વાગ્યો હતો અને તેને અસહ્ય દુખાવો થયો હતો. જો તે ઈજામુક્ત થઈ શકશે નહીં તો તે શ્રેણીમાંથી બહાર પણ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર ૨૬થી ટીમનો સાઉથ આફ્રિકા પ્રવાસ શરૂ થઇ રહ્યો છે. ભારત આજ સુધી સાઉથ આફ્રિકામાં કોઈ ટેસ્ટ શ્રેણી જીત્યું નથી અને વર્તમાન ફોર્મને જોતાં વિરાટ કોહલીની ટીમ આ રેકોર્ડ બ્રેક કરી શકે તેમ છે પરંતુ ટીમ આફ્રિકના પ્રવાસે રવાના થાય તે પહેલાં રોહિત શર્મા ટીમમાંથી આઉટ થઇ જતાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
તેજતર્રાર પ્રિયાંક પંચાલ
ગુજરાત રણજી ટીમના સિનિયર ખેલાડી પ્રિયાંક પંચાલે હાલમાં સાઉથ આફ્રિકા ખાતેની બિનસત્તાવાર ચાર દિવસની ટેસ્ટ શ્રેણીમાં ભારત-એ ટીમનું નેતૃત્વ કર્યું હતું. તેણે હજુ સુધી ઇન્ટરનેશનલ ડેબ્યૂ કર્યો નથી, પરંતુ આ ૩૧ વર્ષીય બેટ્સમેન પાસે બહોળો અનુભવ છે. તે ૧૦૦ ફર્સ્ટ કલાસ મેચમાં ૪૬ની એવરેજથી ૭૦૧૧ રન બનાવી ચૂક્યો છે. ૨૪ સદી અને ૨૫ અડધી સદી તેના નામે છે. પ્રિયાંક છેલ્લા કેટલાક વર્ષથી ભારત-એ ટીમનો નિયમિત સભ્ય છે. તેણે ૨૦૧૬-૧૭ની રણજી ટ્રોફીની ૧૭ ઇનિંગ્સમાં ૮૭થી વધારેની એવરેજથી ૧૩૧૦ રન બનાવ્યા હતા. આ સિઝનમાં તેણે પંજાબ સામે અણનમ ૩૧૪ રન ફટકાર્યા હતા જે તેનો હાઇએસ્ટ સ્કોર રહ્યો છે. પ્રિયાંક ફર્સ્ટ કલાસ ક્રિકેટમાં ગુજરાત તરફથી ત્રેવડી સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન છે. તેના શાનદાર પ્રદર્શનના કારણે ગુજરાત પ્રથમ વખત રણજી ચેમ્પિયન પણ બન્યું હતું. ગયા વર્ષે પાર્થિવ પટેલેની નિવૃત્તિ બાદ પ્રિયાંક ગુજરાતની ટીમનું નેતૃત્વ પણ કરી રહ્યો છે.