લંડનઃ ‘તરંગી મહેચ્છા’ તરીકે થયેલો આરંભ આખરે ૩૪ વર્ષીય બ્રિટિશ દોડવીર સુસાનાહ ગિલને મહિલા વિભાગના વિશ્વવિક્રમ તરફ દોરી ગયો હતો. સુસાનાહ ગિલે માત્ર સાત દિવસમાં સાત ખંડમાં સાત મેરેથોન દોડવાનો પડકાર સફળ રીતે પૂર્ણ કર્યો હતો. વર્લ્ડ મેરેથોન ચેલેન્જનો ૨૯૫ કિલોમીટરનો રુટ તેમણે ૨૪ કલાક, ૧૯ મિનિટ અને ૯ સેકન્ડમાં જ પૂર્ણ કરી નવો રેકોર્ડ બનાવ્યો છે. અગાઉ, અમેરિકાની દોડવીર બેકા પિજ્જીએ ૨૦૧૬માં ૨૭ કલાક ૨૬ મિનિટ અને ૩૦ સેકન્ડનો રેકોર્ડ બનાવ્યો હતો. પુરુષ વિભાગમાં અમેરિકાના ૪૪ વર્ષીય દોડવીર માઇક વાર્ડિયને વર્લ્ડ મેરેથોન ચેલેન્જમાં વિજયી બનવા ૨૦ કલાક ૪૯ મિનિટ અને ૩૦ સેકન્ડનો સમય લીધો હતો.
૩૧,૫૦૦ પાઉન્ડની એન્ટ્રી ફી સાથે ૩૧ જાન્યુઆરીથી છઠ્ઠી ફેબ્રુઆરીના ગાળામાં યોજાએલી વર્લ્ડ મેરેથોન ચેલેન્જમાં ૪૧ ખેલાડીએ ભાગ લીધો હતો. આ ચેલેન્જનો આરંભ એન્ટાર્ટિકાથી થયો હતો અને કેપ ટાઉન (આફ્રિકા), પર્થ (ઓસ્ટ્રેલિયા), દુબાઈ (એશિયા), માડ્રિડ (યુરોપ), સાન્ટિઆગો (દક્ષિણ અમેરિકા)માં પસાર થઈ મિયામી (ઉત્તર અમેરિકા)માં તેનો અંત આવ્યો હતો. ગિલે પ્રતિ મેરેથોન સરેરાશ ત્રણ કલાક અને ૨૮ મિનિટનો સમય લીધો હતો. તેમણે કહ્યું હતું કે,‘ આ તરંગી મહત્ત્વાકાંક્ષા હતી પરંતુ, મારા માટે આ પડકાર છોડી શકાય તેવો ન હતો. દસ વર્ષ અગાઉ, હું માત્ર ફીટ થઈ લંડન મેરેથોન દોડવા ઈચ્છતી હતી. હવે મેરેથોન દોડે મને સમગ્ર વિશ્વની સફર કરાવી છે.’ તેમણે સ્વીકાર્યું હતું કે થોડી ઊંઘ સાથે સાત ખંડમાં સાત મેરેથોન દોડવાનું ખરેખર કપરું હતું.
વર્લ્ડ મેરેથોન ચેલેન્જ જીતવામાં લંડનની સુસાનાહે અમેરિકાના મિયામીમાં દોડ પૂર્ણ કરતા પહેલા એન્ટાર્ટિકામાં માઈનસ ૩૫ સેન્ટિગ્રેડનું ઠંડુ તાપમાન અને દક્ષિણ આફ્રિકાના કેપ ટાઉનની ૩૫ સેન્ટિગ્રેડ ગરમીનો સામનો કર્યો હતો. તેમણે બીબીસીને જણાવ્યું હતું કે,‘પહેલી ચાર મેરેથોનમાં તો હું સારો આહાર લેવા સાથે પૂરતી કેલરી મેળવતી હતી. આ પછીની ત્રણ મેરેથોનમાં તો હું સખત ભૂખી હોવાથી મારી જાતને ઊંઘતાં અટકાવવી પડી હતી.’ મેરેથોન દરમિયાન ગિલે દરરોજ સરેરાશ ૪૦૦૦-૫૦૦૦ કેલરી બાળી હતી. એક મેરેથોન પુર્ણ કરવા સાથે જ બીજી દોડની તૈયારી શરૂ થઈ જતી હતી. ખેલાડીઓ માટે ચાર્ટર્ડ પ્લેનમાં મુસાફરી કરાતી હતી, જે કુલ ૫૫,૦૦૦ માઈલથી વધુ હતી. ખેલાડીઓ મોટા ભાગે વિમાનમાં જ ઊંઘ લઈ લેતા અને વધુમાં વધુ ત્રણ કલાકની ઊંઘ મળતી હતી. ખેલાડીઓ એનર્જી માટે મગફળી, આલૂ ચિપ્સ અને ચોકલેટ ખાતા હતા.
ગિલ એન્ટાર્ટિકા મેરેથોન ઈવેન્ટમાં બીજા ક્રમે રહી હતી, જે માટે તેણે ૩ કલાક ૧૧ મિનિટ અને ૪૯ સેકન્ડનો સમય લીધો હતો. જોકે, તેણે બાકીની છ મેરેથોન જીતી લીધી હતી. ગિલ માટે આ વિજય અને વિક્રમ વધુ નોંધપાત્ર એટલા માટે કહી શકાય કે તેણે ૨૦૦૮થી જ મેરેથોન દોડમાં ભાગ લેવો શરૂ કર્યો હતો. સાત દિવસમાં સાત મેરેથોન દોડવા માટે જે સખત તૈયારી કરવી પડે તેના કારણે સુસાનાહ લગભગ સમાજથી દૂર થઈ ગઈ હતી. ગિલ ગત દાયકામાં ૧૦ લંડન મેરેથોન સહિત ૪૫ મેરેથોન દોડી છે, જેમાં તેનો શ્રેષ્ઠ સમય ૨ કલાક અને ૫૮ મિનિટ રહ્યો છે. વર્લ્ડ મેરેથોન ચેલેન્જના આયોજકોએ સ્પર્ધકોને શ્રેષ્ઠ સ્વાસ્થ્ય અને મેરેથોન પૂર્ણ કરવા સક્ષમ હોવા અંગે આગોતરી ચેતવણી આપી જ હતી. જોકે, સૌપહેલા ૨૦૦૩માં સર રેનોલ્ફ ફિનેસે આ વાર્ષિક ‘777’ ચેલેન્જ સફળતાથી પાર પાડ્યા પછી પણ ૨૦૦થી ઓછા સ્પર્ધકો ચેલેન્જ પાર પાડી શક્યા છે.