સાઉધમ્પટનઃ ભારતના ભૂતપૂર્વ કેપ્ટન અને વિકેટકિપર કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ સાઉથ આફ્રિકા સામે રમાયેલી વર્લ્ડ કપની પ્રથમ વન-ડેમાં પેરા સ્પેશિયલ ફોર્સ તરફ સન્માન દર્શાવ્યું હતું. તેણે ‘બલિદાન’ બેજનું ચિહન ધરાવતા ગ્લોવ્ઝ પહેર્યા હતા. આ ચિહનનો ઉપયોગ પેરા કમાન્ડો સિવાય અન્ય કોઈ કરી શકતું નથી. પેરા સ્પેશિયલ ફોર્સને સામાન્ય રીતે પેરા એસએફ કહેવામાં આવે છે, જે ભારતીય સેનાનું ખાસ મિશન પાર પાડનારું આ યુનિટ છે. આ જ યુનિટે ૨૦૧૬માં પાકિસ્તાન કબજાગ્રસ્ત કાશ્મીરમાં પ્રવેશીને સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. ‘બલિદાન’ બેજ પેરાશૂટ રેજિમેન્ટના સ્પેશિયલ ટ્રૂપ્સની પાસે હોય છે. ધોનીને ૨૦૧૧માં આ રેજિમેન્ટમાં માનદ્ લેફ્ટનેન્ટ કર્નલનો રેન્ક અપાઇ હતી. આ સન્માન મેળવનારો તે કપિલ દેવ બાદ બીજો ક્રિકેટર બન્યો હતો.
જોકે, આઇસીસીને ધોનીનો આ અંદાજ પસંદ આવ્યો નહતો. તેમણે આ અંગે બીસીસીઆઇનો સંપર્ક સાધીને વિનંતી કરી હતી કે, તેઓ ધોનીના ગ્લોવ્ઝ પરથી આર્મીના આ બેજને દૂર કરાવે. આઇસીસીના નિયમ પ્રમાણે, વર્લ્ડ કપ, ચેમ્પિયન્સ ટ્રોફી જેવી મેજર ઈવેન્ટ્સમાં ખેલાડીઓના સાધનો જેવા કે બેટ-પેડ, ગ્લોવ્ઝ વિગેરે પર તેમજ ખેલાડીઓના ડ્રેસ પર કોઈ રાજકીય, ધાર્મિક કે વંશીય પ્રવૃત્તિ કે કોઈ ચોક્કસ ધ્યેય અંગેના મેસેજ કે તે અંગેના ચિહનો દર્શાવવાની છૂટ હોતી નથી. આઇસીસીના આ અનુરોધ સામે ભારતમાં વિરોધનો વંટોળ ઉઠ્યો હતો. આમ આદમીથી માંડીને કેન્દ્રીય રમતગમત પ્રધાને ધોનીની આ પહેલમાં કંઇ વાંધાજનક જણાયું નહોતું.
લોગો વિનાના ગ્લોવ્ઝ પહેર્યા
ધોનીએ રવિવારે આઇસીસીના નિયમ અનુસાર ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં ‘બલિદાન’ બેજ વિનાના ગ્લોવ્ઝ પહેર્યા હતા. ઉલ્લેખનીય છે કે આઇસીસીએ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડને તાકિદ કરી હતી કે તે ધોનીને આ પ્રકારના ગ્લોવ્ઝ પહેરતાં અટકાવે. ધોનીએ રવિવારે લીલા રંગના ગ્લોવ્ઝ પહેર્યા હતા જેની ઉપર એસજી કે બલિદાન બેજનું ચિન્હ નહોતું.
બીજી તરફ આઇસીસીએ વેસ્ટ ઇન્ડિઝના ક્રિસ ગેઇલને પણ તેના બેટ ઉપર યુનિર્વસલ બોસના લોગોનો ઉપયોગ કરવા ઉપર મનાઇ ફરમાવી છે. ગેઇલ પણ પોતાના બેટ ઉપર આ પ્રકારના લોગોનો ઉપયોગ કરશે નહીં.