ચેન્નઈ: ના કોઈ નિવેદન, ના કોઈ જાહેરાત, એક તસવીર આવીને પૂરી સ્ટોરી બદલાઈ ગઈ. તમામ બાબતો ધોનીની ટ્રેડમાર્ક સ્ટાઇલમાં થયું છે. જે રીતે ટેસ્ટ ટીમની કેપ્ટનશિપને છોડવાથી લઈને નિવૃત્તિ સુધી બન્યું હતું તેવી રીતે આઇપીએલની પૂર્વસંધ્યાને પાંચ વખતની ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સની કેપ્ટનશિપ છોડીને ધોનીએ તમામને ચિકત કરી દીધા છે. કરોડો સમર્થકોને આશા હતી કે નિવૃત્તિ પહેલાં ધોની ચેન્નઈને વધુ એક વખત ચેમ્પિયન બનાવશે, પરંતુ ‘થાલા’ના દિમાગમાં શું હતું તેની અટકળ કોઈ કરી શકતું નથી.
ધોનીએ આ પહેલાં 2022માં પણ કેપ્ટનશિપ છોડી હતી અને રવીન્દ્ર જાડેજાને સુકાની બનાવવામાં આવ્યો હતો પરંતુ ટીમના ખરાબ પ્રદર્શનના કારણે ધોનીને ટૂર્નામેન્ટની અધવચ્ચે જ ફરીથી નેતૃત્વ સંભાળવાની ફરજ પડી હતી. ચેન્નઈ સુપર કિંગ્સના મેનેજમેન્ટે પણ સત્તાવાર જાહેરાત કરીને જણાવ્યું હતું કે 17મી સિઝન પહેલાં ધોનીને કેપ્ટનશિપ છોડી દીધી છે અને તેના સ્થાને ઋતુરાજને સુકાની બનાવવામાં આવ્યો છે. ઋતુરાજ 2019થી ટીમ સાથે જોડાયેલો છે અને તે બાવન મેચ રમી ચૂક્યો છે. 2023ની સિઝનમાં ઋતુરાજે 16 મેચામાં 590 રન બનાવ્યા હતા. ધોની આઇપીએલમાં કુલ 250 મેચ રમ્યો છે અને તેણે 24 અડધી સદી વડે 5,082 રન બનાવ્યા છે.