કાઠમંડુઃ ભારતીય પર્વતારોહક રાજીબ ભટ્ટાચાર્યનું નેપાળમાં માઉન્ટ ધોલાગીરી પરથી નીચે ઉતરતાં અવસાન થયું છે. સેવન સમિટ ટ્રેક્સના મિગમા શેરપાએ જણાવ્યું હતું કે, રાજીબે શ્વાસ લેવામાં તકલીફ હોવાની ફરિયાદ કરી હતી. ત્યારબાદ તેનું કેમ્પ ફોર્થમાં નિધન થયું હતું. શેરપાએ જણાવ્યું હતું કે, રાજીબના પાર્થિવ શરીરને હાલ કેમ્પમાં જ રખાયું છે. પર્વતો દુર્ગમ હોવાથી તેના શરીરને નીચે લાવવામાં ઘણી મુશ્કેલીઓ પડી રહી છે. ૪૩ વર્ષનો રાજીબ પશ્ચિમ બંગાળના હાવડા જિલ્લાનો રહેવાસી હતો. તે ૨૦૧૧માં માઉન્ટ એવરેસ્ટ અને ૨૦૧૩માં માઉન્ટ કાંચનજંઘા સર કરી ચૂક્યો છે. નોંધનીય છે કે, ૮,૧૬૭ મીટરની ઊંચાઈએ આવેલી ધોલાગીરી દુનિયાનું સાતમા ક્રમનું સૌથી ઊંચું શિખર છે.