લંડનઃ મિડલસેક્સ ક્રિકેટ માટે ઐતિહાસિક કહેવાય તેવા પગલામાં ઈંગ્લેન્ડ અને મિડલસેક્સના પૂર્વ બેટ્સમેન માર્ક રામપ્રકાશે ક્લબના પ્રમુખપદે પોતાના અનુગામી તરીકે નયનેશ દેસાઈનું નામ જાહેર કર્યું છે. મિડલસેક્સ ક્રિકેટ દ્વારા દેસાઈની નિયુક્તિને આવકાર અપાયો છે.
માર્ક રામપ્રકાશે પોતાના કાર્યકાળ સંદર્ભે પ્રમુખપદે ફરજ બજાવવામાં ગૌરવ પ્રદર્શિત કરવા સાથે પડકારો અને સિદ્ધિઓ વિશે વાત કરી હતી. તેમણે બાળપણથી ક્લબનો હિસ્સો રહેવા બાબતે અને પાછળથી ખેલાડી અને કોચ તરીકે મિડલસેક્સ સાથે ગાઢ સંબંધ વિશે જણાવ્યું હતું. ક્રિકેટ માટે ઉથલપાથલનો સમય હોવાં છતાં, ક્રિકેટના વ્યાપક બની રહેલા લેન્ડસ્કેપમાં ક્લબ સ્થિર બની રહે તેની ચોકસાઈ માટે બોર્ડ અને સપોર્ટર્સ સાથે સંપર્કમાં રહેવાનું તેમને લાભકારી જણાયું હતું.
પ્રમુખપદની ભૂમિકા પૂર્વ ખેલાડી નિભાવે તેવી પરંપરા હોવાં છતાં, માર્કને નયનેશ દેસાઈમાં અનોખી લાયકાતો જોવા મળી હતી. મિડલસેક્સના આજીવન સમર્થક નયનેશ દેસાઈએ કાનૂની વ્યવસાયમાં 39 વર્ષ વીતાવ્યા છે, ડરહામ ક્રિકેટ બોર્ડમાં સેવા આપી છે તેમજ ઈંગ્લિશ અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અને ખાસ કરીને ભારત સાથે મજબૂત સંપર્કો ધરાવે છે. મિડલસેક્સ લાભાર્થીઓને સપોર્ટ કરવામાં તેની સામેલગીરી અને વ્યાપક ક્રિકેટિંગ નેટવર્કના કારણોએ તેમને મુખ્ય પસંદ બનાવ્યા છે.
નયનેશ દેસાઈ માટે આ નોમિનેશન આશ્ચર્ય તરીકે જ આવ્યું છે. શરૂઆતમાં માર્ક મશ્કરી કરતા હોવાનું માન્યા પછી તેમને આ પ્રસ્તાવની ગંભીરતા સમજાઈ હતી. અગાઉ, ચેરમેનની ભૂમિકા માટે અરજી કરવા પ્રોત્સાહિત કરાયેલા દેસાઈએ મિડલસેક્સના ભવિષ્યમાં યોગદાન આપવાની તકને આવકાર આપ્યો હતો. ક્લબના વિકાસને સપોર્ટ અને તેની સતત સફળતાની ચોકસાઈની પ્રતિબદ્ધતાનો પુનરુચ્ચાર કરતા દેસાઈએ જણાવ્યું હતું કે,‘ મિડલસેક્સ ક્રિકેટ બાબતે હું હંમેશાંથી ઉત્સાહી રહ્યો છું. તેના પ્રમુખ તરીકે સેવા આપવાની તક મળવી ખરેખર ગૌરવ છે.’ તેમણે જણાવ્યું હતું કે,‘ક્રિકેટ વિકસી રહ્યું છે અને મિડલસેક્સ તેના વારસા અને ભવિષ્યને સાંકળી મજબૂત અને સમાવેશી ક્લબ બની રહે તેની ચોકસાઈ સાથે હું બોર્ડ, ખેલાડીઓ અને સમર્થકો સાથે કામ કરવા ઉત્સુક છું.’
અનુભવના વિશાળ ભાથા અને મિડલસેક્સ માટે ગાઢ ઉત્સાહ સાથે નયનેશ દેસાઈનું પ્રમુખપદ ક્લબ માટે નવા અધ્યાયનો આરંભ બની રહેશે. એવો અધ્યાય જે પરંપરા અને આધુનિક ક્રિકેટ પ્રત્યે તાજા અને વ્યૂહાત્મક અભિગમનું સંમિશ્રણ બની રહેશે.