નવી દિલ્હીઃ ટીમ ઇંડિયાના આક્રમક બેટ્સમેન યુવરાજ સિંહે ૨૦૦૭ના વર્લ્ડ ટી૨૦માં ૬ બોલમાં ૬ સિક્સ ફટકારીને એક નવો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. ક્રિકેટના ઇતિહાસમાં સુવર્ણઅક્ષરે લખાયેલી આ છ સિક્સ વિશે યુવરાજે ક્યારેય વાત કરી ન હતી. જોકે આ વિક્રમના નવ વર્ષ બાદ હવે યુવરાજે આ સિદ્ધિના મૂળમાં રહેલી વાત જાહેર કરી છે.
એક ટીવી શોમાં યુવરાજે જણાવ્યું હતું કે, જ્યારે તે મેદાનમાં બેટિંગ કરવા ઉતર્યો ત્યારે ઈંગ્લેન્ડનો ઓલરાઉંડર એન્ડ્રયુ ફ્લિન્ટોફે તેને હેરાન કરવાની શરૂઆત કરી હતી. ફ્લિન્ટોફ યુવરાજના શોટને બેકાર કહીને સતત સ્લેજિંગ કરતો હતો. યુવરાજ સિંહને તેના આ વર્તનથી ખુબ ગુસ્સો આવ્યો હતો. આથી તેણે ફ્લિન્ટોફને બેટ બતાવીને કહ્યું હતું કે આ બેટથી તારી ધોલાઈ કરી નાંખીશ. યુવરાજનો ફ્લિન્ટોફ ઉપરનો ગુસ્સો એટલો વધી ગયો હતો કે બ્રોડની બોલિંગમાં એક પછી એક છ સિક્સ ફટકારીને ફ્લિન્ટોફની બોલતી બંધ કરી દીધી હતી. તેની સાથે સાથે ગુસ્સામાં એક ખુબ જ મોટો રેકોર્ડ બનાવી નાંખ્યો હતો. આ વિક્રમને આજ દિવસ સુધી કોઈ ભૂલી શક્યું નથી અને તોડી પણ શક્યું નથી.