મુંબઈઃ આઈપીએલ ટી20 લીગની 15મી સિઝન નવા નિયમો સાથે રમાશે અને ગવર્નિંગ કાઉન્સિલે અમ્પાયર્સ ડિસિઝન રિવ્યૂ સિસ્ટમ (ડીઆરએસ)થી લઈને કેચઆઉટ અને રનઆઉટના નિયમો પણ બદલ્યા છે.
કોરોનાના જોખમને પણ ધ્યાનમાં રાખીને ટૂર્નામેન્ટના કાર્યક્રમમાં ફેરફાર કરવાનો વિકલ્પ પણ રાખ્યો છે. જો કોરોનાના કારણે કોઈ ટીમ પ્લેઇંગ ઇલેવનને (ઓછામાં ઓછા સાત ભારતીય ખેલાડી હોવા જરૂરી છે) મેદાનમાં ઉતારી ના શકે તો આ મેચનું ફરીથી આયોજન થશે. ત્યારબાદ પણ મેચ રમાડી નહીં શકાય તો પૂરો મામલો ટેક્નિકલ સમિતિ પાસે મોકલવામાં આવશે અને તે આ અંગેનો અંતિમ નિર્ણય લેશે. લીગમાં માંકડિંગને રનઆઉટની શ્રેણીમાં ગણવામાં આવશે. જો નોન-સ્ટ્રાઇકર બેટ્સમેન બોલ નંખાયા પહેલાં ક્રિઝની બહાર આવી જાય અને બોલર બેઇલ્સને ઉડાવી દે તો તેને રનઆઉટ માનવામાં આવશે.
કોવિડ-19 અંગે નવો નિયમ અમલમાં મુકાયો
આઇપીએલમાં અગાઉ નિયમ હતો કે જો કોરોનાના કારણે કોઈ મેચ રમાડી શકાય નહીં તો તેનું ફરીથી આયોજન કરવામાં આવશે. જો બીજી વખત પણ આ મેચનું આયોજન શક્ય બનશે નહીં તો જે ટીમ 11 પ્લેયર્સને મેદાનમાં ઉતારી શકશે નહીં તો તેને હારેલી માનવામાં આવશે અને હરીફ ટીમને બે પોઇન્ટ આપવામાં આવશે.
ડીઆરએસનો નિયમ બદલાયો
આઇપીએલમાં અત્યાર સુધી એક ઇનિંગમાં માત્ર એક ડીઆરએસ મળતો હતો. કુલ મળીને મેચમાં એક ટીમ પાસે બોલિંગ અને બેટિંગનો એક-એક રિવ્યૂ રહેતો હતો પરંતુ હવે આ સંખ્યા વધારીને બેની કરવામાં આવી છે. આમ એક ટીમ પાસે હવે બોલિંગ અને બેટિંગના બે-બે એમ કુલ ચાર ડીઆરએસ રહેશે. આમ એક મેચમાં કુલ ડીઆરએસની સંખ્યા આઠની થઈ છે જેના કારણે બેટ્સમેન તથા બોલર્સ બન્નેને ફાયદો રહેશે. એક રિવ્યૂ રદ થાય તો પણ ટીમ પાસે બીજા રિવ્યૂની તક રહેશે.
નવો બેટ્સમેનને જ સ્ટ્રાઈક
બીસીસીઆઈએ પોતાની ટી20 લીગમાં એમસીસીના નિયમને લાગુ કર્યો છે. કોઈ બેટ્સમેન કેચઆઉટ થાય તો નવા બેટ્સમેને સીધા સ્ટ્રાઇકર છેડે જવું પડશે. અત્યાર સુધી કેચ પકડાય તે પહેલાં જો બેટ્સમેને છેડો બદલી નાખ્યો હોય તો નોન-સ્ટ્રાઇકર બેટ્સમેન નવો બોલ રમતો હતો. હવે કોઈ બેટ્સમેન ઓવરના છેલ્લા બોલે કેચઆઉટ થાય તો આગામી ઓવરનો પ્રથમ બોલ બીજા છેડે રહેલો બેટ્સમેન રમશે.
સુપર ઓવર નહીં તો પોઇન્ટ
જો પ્લે ઓફ કે ફાઇનલ મુકાબલો ટાઇ થાય અને મલ્ટિપલ સુપર ઓવર બાદ પણ વિજેતા ટીમ નક્કી ના થઈ શકે તો પોઇન્ટ ટેબલમાં ફાઇનલ રમી રહેલી બે ટીમમાંથી જે પણ હાયર રેન્ક એટલે કે ટોચના ક્રમે રહેલી હશે તેને વિજેતા જાહેર કરાશે. જોકે મોટા ભાગની ટાઇ મેચોમાં સુપર ઓવરનો સહારો લેવાતો હોય છે અને તેના દ્વારા વિજેતા ટીમ નક્કી થતી હોય છે. કોઈ સુપર ઓવર પણ ટાઇ થાય તેવી સંભાવના એકદમ નહિવત્ હોય છે.
બાયો-બબલ તોડશે તો 100 ટકા મેચ ફીનો દંડ
ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)એ આઇપીએલ સિઝન માટે બાયો-બબલ અંગે આકરાં નિયમો તૈયાર કર્યા છે જેમાં ખેલાડીને 100 ટકા મેચ ફીના દંડથી લઈને એક મેચ માટે સસ્પેન્ડ કરવાની બાબત પણ સામેલ છે. આઇપીએલ 2021ની સિઝનમાં કોવિડ-19નો પગપેસારો થયા બાદ બીસીસીઆઇને ટૂર્નામેન્ટ સ્થગિત કરવાની ફરજ પડી હતી. ત્યારબાદ પાર્ટ-ટુને યુએઇ ખાતે રમાડવો પડયો હતો. આ વખતે બીસીસીઆઇએ પ્લેયર્સ, અધિકારીઓ તથા તેમના પરિવાર દ્વારા તોડવામાં આવતા પ્રોટોકોલ માટે નવા નિયમો તૈયાર કર્યા છે.
આઇપીએલ ફ્રેન્ચાઇઝીનો કોઈ ખેલાડી જો બાયો-બબલનો ભંગ કરશે તો તેને સાત દિવસ માટે ક્વોરન્ટાઇન થવું પડશે. આ દરમિયાન તે ખેલાડીની ટીમની કોઈ મેચ હશે તો 100 ટકા મેચ ફી કાપી લેવામાં આવશે. જો ટીમ દ્વારા કોઈ ખેલાડી બીજી વખત બાયો-બબલનો ભંગ કરશે તો તેને ક્વોરન્ટાઇન થવાની સાથે જે તે ખેલાડીને એક મેચ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવશે. અને જો ખેલાડીએ ત્રીજી વખત બાયો-બબલનો ભંગ કર્યો હશે તો તેની ટૂર્નામેન્ટમાંથી હકાલપટ્ટી કરી દેવાશે. આ ખેલાડીનો કોઈ રિપ્લેસમેન્ટ વિકલ્પ પણ અપાશે નહીં.