મુંબઇઃ આઇપીએલ સિઝન-૧૫ની લીગ મેચ આગળ વધી રહી છે તેમ તેમ રસાકસી વધી રહી છે. ભૂતપૂર્વ ચેમ્પિયન્સ મુંબઇ ઇંડિયન્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ એક-એક વિજય માટે ઝઝૂમી રહ્યા છે તો આ સિઝનમાં જ પદાર્પણ કરનારી લખનઉ જાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સ વિજય પતાકા લહેરાવી રહ્યા છે. આ સિઝનની પહેલ હેટ્રિક યુજવેન્દ્ર ચહલના નામે નોંધાઇ છે. તેણે કોલકાતા નાઇટ રાઇડર્સ સામેની મેચમાં આ સિદ્ધ મેળવી હતી.
બટલરની સદી અને ચહલની હેટ્રિકે રાજસ્થાનને જીતાડ્યું
ઓપનર જોસ બટલરે વર્તમાન લીગમાં નોંધાવેલી બીજી સદી બાદ લેગ સ્પિનર યુજવેન્દ્ર ચહલે હેટ્રિક સહિત પાંચ વિકેટ ઝડપતા રાજસ્થાન રોયલ્સે મુંબઇમાં સોમવારે રમાયેલી આઈપીએલ મેચમાં કોલકાતા નાઈટ રાઇડર્સને સાત રને હરાવ્યું હતું. રાજસ્થાનનાં પાંચ વિકેટે 217 રનના જવાબમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનાર કોલકાતાની ટીમ 19.4 ઓવરમાં 210 રનના સ્કોરે ઓલઆઉટ થઈ ગઈ હતી. રનચેઝ કરનાર કોલકાતાની ટીમ માટે સુકાની શ્રેયસ અય્યરે 51 બોલમાં 85 રન તથા ઓપનર એરોન ફિન્ચે 28 બોલમાં 58 રનનું યોગદાન આપ્યું હોવા છતાં મિડલ ઓર્ડરના ધબકડાના કારણે ટીમ વિજયથી દૂર રહી હતી. ચહલે 40 રનમાં પાંચ વિકેટ ખેરવી હતી.
આ પહેલા આઈપીએલમાં ત્રીજી સદી નોંધાવનાર બટલરે 61 બોલમાં 103 રન ફટકારીને ટીમને જંગી સ્કોર તરફ દોરી હતી. તેણે પડિક્કલ (24) સાથે પ્રથમ વિકેટ માટે 97 તથા સુકાની સંજૂ સેમસન (38) સાથે બીજી વિકેટ માટે 67 રનની ભાગીદારી નોંધવી હતી. બટલરે તાજેતરમાં જ મુંબઈ સામે સદી ફટકારી હતી. તે બ્રેબોર્ન સ્ટેડિયમમાં સદી ફટકારનાર આઈપીએલનો ચોથો ખેલાડી બન્યો છે. આ પહેલા યુસુફ પઠાણ 2010, સેન વોટસને 2015, લોકેશ રાહુલ 2022ની સિઝમાં બ્રેબોર્ન ખાતે સદી નોંધાવી હતી.
ચેન્નઇ સુપર કિંગ્સને ત્રણ વિકેટ હરાવતું ગુજરાત ટાઇટન્સ
રવિવારે જ રમાયેલી આઇપીએલની બીજી રોમાંચક મેચમાં ગુજરાત ટાઇટન્સ ટીમે ચેન્નઇ સુપર કિંગ્સને ત્રણ વિકેટ પરાજય આપ્યો હતો. જીત માટે મળેલા 170 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં ગુજરાત ટાઇટન્સની શરૂઆત સારી નહોતી રહી. એક તબક્કે ટીમે 48 રનમાં જ ચાર વિકેટો ગુમાવી દીધી હતી. જોકે ફાંકડા ફટકાબાજ ડેવિડ મિલર અને રખેવાળ સુકાની રાશિદ ખાને આક્રમક બેટિંગ કરીને મેચમાં એક બોલ બાકી હતો ત્યારે જ ટીમને જીત અપાવી હતી. મિલરે અણનમ 94 રન ફટકાર્યા હતા. આ પહેલા ટોસ હારીને પહેલી બેટિંગ કરતા ચેન્નઇએ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 169 રનનો સ્કોર બનાવ્યો હતો. ટીમના ઓપનર ઋતુરાજ ગાયકવાડે સૌથી વધારે 73 રન બનાવ્યા હતા. જ્યારે ગુજરાતની ટીમ વતી અલ્જારી જોસેફે બે વિકેટ ખેરવી હતી. ઇજાને કારણે મેચમાં નહીં રમી રહેલા હાર્દિક પંડયાની ગેરહાજરીમાં રાશિદ ખાને પહેલી વાર આઇપીએલમાં ટીમનું સુકાન સંભાળ્યું હતું. મેચમાં પોતાની ઇનિંગમાં માત્ર બે રન બનાવતાં જ ચેન્નઇના બેટ્સમેન અંબાતી રાયડૂએ આઇપીએલમાં 4000 રન પૂરા કર્યા હતા.
પંજાબ કિંગ્સનો સિઝનમાં ત્રીજો પરાજય
રવિવારે મુંબઇમાં રમાયેલ આઇપીએલની 28મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે પંજાબ કિંગ્સને સાત વિકેટ પરાજય આપ્યો હતો. પંજાબ કિંગ્સનો વર્તમાન સિઝનમાં આ ત્રીજો પરાજય છે. જ્યારે હૈદરાબાદે સતત ચોથી મેચ જીતી લીધી હતી. ઉમરાન મલિક અને ભુવનેશ્વર કુમારની બોલિંગ તરખાટથી પંજાબનો દાવ 20 ઓવરમાં 151 રનમાં સમેટાઈ ગયો હતો. જવાબમાં હૈદરાબાદની ટીમે 18.5 ઓવરમાં ત્રણ વિકેટે વિજય હાંસલ કરી લીધો હતો. હૈદરબાદની પ્રથમ વિકેટ કેન વિલિયમ્સનના રૂપમાં પડી હતી. તે ફક્ત ફક્ત ત્રણ રન બનાવી શક્યો હતો. તે પછી રાહુલ ત્રિપાઠી 34 રન બનાવીને આઉટ થયો હતો અને ત્રીજી વિકેટ અભિષેક શર્માની પડી હતી. તેણે 31 રન કર્યા હતા તે પછી એડન માર્કરમ 41 રન અને નિકોલસ પુરન 35 રન બનાવીને અણનમ રહ્યા હતા.
મુંબઇ ઇંડિયન્સની પરાજયની ‘ડબલ હેટ્રિક’
પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સનો વર્તમાન આઇપીએલમાં સતત છઠ્ઠો પરાજય થતાં તે પ્લે ઓફની રેસમાંથી બહાર થવાના આરે પહોંચી ગઈ છે. બ્રેબોર્ન સ્ટેડિયમમાં શનિવારે રમાયેલી મેચમાં સુકાની લોકેશ રાહુલના 103 અણનમ વડે લખનઉ સુપર જાયન્ટ્સે ચાર વિકેટે 199 રન બનાવ્યા હતા. જવાબમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનાર મુંબઈની ટીમ નવ વિકેટે 181 રન જ કરી શકી હતી. આમ લખનઉની ટીમે 18 રને તેને પરાજય આપ્યો હતો. આઇપીએલના ઇતિહાસમાં મુંબઈની ટીમ પ્રથમ વખત પ્રારંભિક છ મેચ હારી છે. આ પહેલા 2014માં મુંબઈની ટીમે પ્રથમ પાંચ મેચ ગુમાવી હતી. પ્લે ઓફની રેસમાં જારી રહેવા માટે મુંબઈની ટીમે હવેની તમામ મેચ જીતવી પડશે. સાથે સાથે જ તેણે બીજી ટીમોના પરિણામ ઉપર પણ મદાર રાખવો પડશે. લખનઉ માટે આવેશ ખાને 30 રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી.
રાહુલની સિદ્ધિઃ 100મી મેચમાં 100 રન
લખનઉના કેપ્ટન કે. એલ. રાહુલની IPLમાં આ 100મી મેચ હતી અને તેણે આ મેચમાં સદી ફટકારી છે. આવી સિદ્ધિ મેળવાર તે પ્રથમ ક્રિકેટર બની ગયો છે. મુંબઈ સામેની લીગમાં બીજી સદી ફટકારનાર રાહુલે કુલ ત્રીજી સદી નોંધાવી છે. આઇપીએલમાં હાઇએસ્ટ સદીના મામલે તે પાંચમા ક્રમે છે. ક્રિસ ગેઈલના નામે સર્વાધિક છ સદી નોંધાયેલી છે. ત્યારબાદ વિરાટ કોહલી પાંચ, ડેવિડ વોર્નર ચાર, વોટ્સન ચાર તથા સંજૂ સેમસનના નામે ત્રણ સદી નોંધાયેલી છે.
અંતિમ ઓવરમાં દિલ્હીને હરાવતું બેંગ્લોર
ગ્લેન મેક્સવેલ તથા દિનેશ કાર્તિકે નોંધાવેલી અડધી સદી બાદ બોલર્સે કરેલા શિસ્તબદ્ધ પ્રદર્શનની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે શનિવારે અહીં રમાયેલી આઇપીએલની લીગ મેચમાં દિલ્હી કેપિટલ્સને 16 રને પરાજય આપ્યો હતો. બેંગ્લોરના પાંચ વિકેટે 189 રનના જવાબમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનાર દિલ્હીની ટીમ સાત વિકેટે 173 રન નોંધાવી શકી હતી. રનચેઝ કરનાર દિલ્હી માટે ઓપનર ડેવિડ વોર્નરે 38 બોલમાં 66 રન નોંધાવ્યા હતા અને લીગમાં આ તેની બાવનમી અડધી સદી હતી. હેઝલવૂડે 28 રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. આ પહેલાં મેક્સવેલે 34 બોલમાં 55 રન બનાવીને પ્રારંભિક સંકટમાં મુકાયેલી બેંગ્લોરની ઇનિંગને સ્થિરતા આપી હતી. કાર્તિકે 34 બોલમાં 66 રન બનાવ્યા હતા.
હાર્દિકની કેપ્ટન ઇનિંગ, ગુજરાતે રાજસ્થાનને હરાવ્યું
કેપ્ટન હાર્દિક પંડયાએ સતત બીજી અડધી સદી ફટકારવા ઉપરાંત સંજૂ સેમસનને સીધા થ્રોથી રનઆઉટ કરતાં ગુજરાત ટાઇટન્સે મુંબઇમાં 14 એપ્રિલે રમાયેલી આઇપીએલની લીગ મેચમાં રાજસ્થાન રોયલ્સને 37 રને હરાવ્યું હતું. ગુજરાતની ટીમે ચાર વિકેટે 192 રન નોંધાવ્યા હતા. સુકાની તરીકે વર્તમાન લીગમાં 200 પ્લસ રન નોંધાવનાર હાર્દિકે 51 બોલમાં અણનમ 87 રન તથા અભિનવ મનોહરે 28 બોલમાં 43 તથા ડેવિડ મિલરે 14 બોલમાં અણનમ 31 રન નોંધાવ્યા હતા. જવાબમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનાર રાજસ્થાનની ટીમ 20 ઓવરમાં નવ વિકેટે 155 રન નોંધાવી શકી હતી. ઓપનર જોસ બટલરે આક્રમક બેટિંગ કરીને 24 બોલમાં 54 રન બનાવ્યા હતા. ગુજરાત માટે યશ દયાલ અને ફર્ગ્યુસને ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. આઇપીએલમાં હાર્દિકે પ્રથમ વખત સતત બે અડધી સદી ફટકારી છે. ઓવરઓલ આ તેની 10મી અડધી સદી છે. ગુજરાતે એક સમયે 15 રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. જોકે હાર્દિક અને અભિનવ મનોહરે ટીમને સંકટમાંથી ઉગારી હતી.
ચેન્નઇને પડ્યા પર પાટુ, દીપક આઇપીએલમાંથી આઉટ
ભારતીય પેસ ઓલરાઉન્ડર દીપક ચહર ઇજાગ્રસ્ત થતાં આઈપીએલની વર્તમાન સિઝનમાંથી આઉટ થઈ ગયો છે. છેલ્લા મહિનાથી બેંગ્લોર સ્થિત નેશનલ ક્રિકેટ એકેડમી (એનસીએ) ખાતે ઈજા મુક્ત થવા સંઘર્ષ કરી રહેલો દીપક ફરી ઈજાગ્રસ્ત થયો છે. તેનું આઇપીએલમાંથી નીકળી જવું ચેન્નઈ સુપર કિંગ્સ માટે ફટકાસમાન છે. 20મી ફેબ્રુઆરીએ કોલકાતા ખાતે વેસ્ટ ઇન્ડિઝ સામે રમાયેલી ટી20 મેચ દરમિયાન દીપકના થાપાનો સ્નાયુ ખેંચાઈ ગયો હતો. આથી તેને એનસીએમાં મોકલાયો હતો. કેટલાક દિવસ પહેલાં એવું લાગતું હતું કે તે સપ્તાહમાં ફીટ થઈને ચેન્નઇ ટીમ સાથે જોડાઈ જશે પરંતુ રિહેબિલિટેશન પ્રોગ્રામ દરમિયાન પીઠમાં ઈજા થતાં તે પૂરી આઈપીએલ ગુમાવશે. ઉલ્લેખનીય છે કે દીપકને ચેન્નઈ સુપર કિંગ્સે ચાલુ વર્ષે 14 કરોડની ઊંચી કિંમતે ટીમમાં લીધો છે. દીપક સારો સ્વિંગ બોલર હોવા ઉપરાંત નીચલા ક્રમનો ઉપયોગી બેટ્સમેન પણ છે.