નાગપુર, તા. ૨૭ઃ ભારતીય ટીમે નાગપુર ટેસ્ટમાં શ્રીલંકાને એક ઇનિંગ્સ અને ૨૩૯ રનથી કારમો પરાજય આપીને ત્રણ મેચની શ્રેણીમાં ૧-૦ની લીડ મેળવી છે. આ સાથે જ ભારતીય ટીમે ટેસ્ટ ઇતિહાસમાં પોતાના સર્વશ્રેષ્ઠ વિજયના રેકોર્ડની બરોબરી પણ કરી છે. ભારતે ૨૦૦૭માં બાંગ્લાદેશને આટલા અંતરથી હરાવ્યું હતું.
ટેસ્ટ ક્રિકેટમાં શ્રીલંકાનો આ અત્યાર સુધીનો સૌથી નાલેશીભર્યો પરાજય છે તો આ તેનો ૧૦૦મો પરાજય પણ છે. પ્રથમ દાવની સરસાઇના કારણે ૪૦૫ રનના દેવા હેઠળ રહેલી શ્રીલંકન ટીમનો બીજો દાવ ૧૬૬ રનના સ્કોરે સમેટાઇ ગયો હતો. પ્રવાસી ટીમની બીજી ઇનિંગ્સમાં ચાર વિકેટ ઝડપનાર અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં ૩૦૦ વિકેટની સિદ્ધિ પણ હાંસલ કરી હતી.
ભારતનો ૩૨ વિજયનો રેકોર્ડ
ભારતે ૨૦૧૭ના વર્ષમાં ઇન્ટરનેશનલ ક્રિકેટની ત્રણેય ફોર્મેટમાં કુલ મળીને ૩૨ વિજય હાંસલ કર્યા છે. ચાલુ વર્ષે ભારતના વિજયની સૌથી મોટી સંખ્યા છે. ભારતે ૨૦૧૬માં મેળવેલા ૩૧ વિજયનો રેકોર્ડ તોડ્યો છે. ચાલુ વર્ષે બાકી રહેલી મેચોમાં પણ ભારત જીતે તો નવો વર્લ્ડ રેકોર્ડ નોંધાશે. એક વર્ષમાં સૌથી વધારે ઇન્ટરનેશનલ મેચ જીતવાનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના નામે છે. ઓસ્ટ્રેલિયન ટીમે ૨૦૦૩માં ૩૮ મેચ જીતી હતી. ભારતને ૨૦૧૭માં હજુ બીજી સાત મેચ (તમામ શ્રીલંકા સામે) રમવાની છે. તેમાં એક ટેસ્ટ, ૩ વન-ડે તથા ૩ ટી૨૦ મેચ સામેલ છે.
એક વર્ષમાં હાઇએસ્ટ વિજય
• ટીમ ઇંડિયા ચાલુ વર્ષે ૩૨ ઇન્ટરનેશનલ મેચ જીતી ચૂકી છે. કોઇ પણ એક વર્ષમાં ભારતના સૌથી વધારે વિજય. ૨૦૧૬માં ૩૧ વિજય.
• શ્રીલંકન ટીમ ભારતની ધરતી પર ૧૧ ટેસ્ટ મેચ હારી ચૂકી છે. તેમાંથી નવ મેચ ઇનિંગ્સ પરાજયથી હારી છે. એક પણ ટેસ્ટ જીતી શકી નથી.
• શ્રીલંકન ટીમ ૨૦૧૭માં ૭ ટેસ્ટ હારી ચૂકી છે. ૨૦૧૫માં પણ સાત ટેસ્ટ હારી હતી અને એક વર્ષમાં સર્વાધિક મેચ હારવાનો રેકોર્ડ સરભર કર્યો.
• આ વિજય સાથે ભારતીય ટીમ ચાલુ વર્ષે સૌથી વધારે ટેસ્ટ મેચ જીતનાર ટીમોની યાદીમાં મોખરાના ક્રમે પહોંચી ગઇ છે. ૧૦માંથી ૭ વિજય તેના છે. ભારતે સાઉથ આફ્રિકાને પાછળ રાખ્યું છે.
અશ્વિને ૩૬ વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો
નાગપુરઃ ભારતીય ઓફ-સ્પિનર આર. અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં ફાસ્ટેસ્ટ ૩૦૦ વિકેટ ઝડપવાના મામલે ઓસ્ટ્રેલિયાના મહાન ઝડપી બોલર ડેનિસ લિલીનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ સાથે અશ્વિન ટેસ્ટ ક્રિકેટમાં ૩૦૦ વિકેટ ઝડપનાર ભારતનો પાંચમો તથા વિશ્વનો ૩૧મો બોલર બની ગયો છે. ૩૧ વર્ષીય અશ્વિને લાહિરુ થિરીમાનેને બોલ્ડ કરીને શ્રીલંકાનો બીજો દાવ સમેટવા ઉપરાંત ૩૦૦ વિકેટની ઇલિટ ક્લબમાં સ્થાન મેળવી લીધું હતું. ડેનિસ લિલીએ ૫૬ ટેસ્ટમાં ૩૦૦ તથા આર. અશ્વિને ૫૪મી ટેસ્ટમાં ૩૦૦ વિકેટ ઝડપી હતી. લિલીએ ૧૯૮૧ના નવેમ્બરમાં બ્રિસબેન ખાતે રેકોર્ડ નોંધાવ્યો હતો.
વિજય-પૂજારાની જુગલ જોડી
ઓપનર મુરલી વિજય (૧૨૮) અને ચેતેશ્વર પૂજારા (૧૪૩)ની સદીની મદદથી ભારતે બીજી ટેસ્ટ મેચમાં શ્રીલંકા સામે ૧૦૭ રનની મહત્ત્વપૂર્ણ સરસાઈ મેળવી મેચમાં પકડ મજબૂત બનાવી હતી. શ્રીલંકન ટીમ પ્રથમ દાવમાં ૨૦૫ રનમાં ઓલઆઉટ થઈ હતી. પૂજારા અને મુરલી વિજયે ભારતીય ધરતી પર નવમી વખત શતકીય ભાગીદારી નોંધાવી હતી. બંને વચ્ચે ભારતની ધરતી પર ૨૨ ઇનિંગમાં ૮૯.૦૯ની એવરેજથી ૧,૯૬૦ રન જોડયા છે. એવરેજની દૃષ્ટિએ ભારતીય જોડી ક્લાર્ક-પોન્ટિંગ અને હોબ્સ- સ્ક્લિફીન જોડી બાદ ત્રીજા સ્થાને છે. ક્લાર્ક-પોન્ટિંગે ૧૯ ઇનિંગમાં ૯૬.૭૨ની એવરેજથી ૧,૭૪૧ રન અને હોબ્સ-સ્ક્લિફની જોડીએ ૨૩ ઇનિંગમાં ૯૩.૦૪ની એવરેજથી ૨,૦૪૭ રનની ભાગીદારી નોંધાવી હતી.