નવી દિલ્હી: હરિયાણાની અંતિમ પંઘાલે બલ્ગેરિયામાં અંડર-20 વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતીને ઇતિહાસ રચ્યો છે. તે વર્લ્ડ ચેમ્પિયન બનનારી પહેલી ભારતીય પહેલવાન બની છે.
હરિયાણાના હિસારની અંતિમ પંઘાલ પાંચ ભાઇ-બહેનમાં ચોથા નંબરે છે. જ્યારે તેનો જન્મ થયો હતો ત્યારે પુત્રની આશા સેવતા માતા-પિતા નિરાશ થયાં હતાં. પહેલાથી જ ત્રણ દીકરી હોવાથી ચોથી દીકરીનું નામ ‘અંતિમ’ રાખ્યું કારણ કે, તે વધુ દીકરી ઇચ્છતા ન હતા.
અંતિમના જન્મથી પરિવાર ભલે નિરાશ હતો, પરંતુ રમત પ્રત્યે તેનું ઝનૂન જોઇને પરિવારજનોની ધારણા બદલાઇ. તેના પિતા રામ નિવાસ કહે છે કે ‘પુત્રી કુશ્તી માટે ગંભીર હોવાથી અમે ગામ છોડીને હિસાર ગયા. તેને સારું દૂધ મળે એટલે ઘરમાં જ ત્રણ ભેંસ અને એક ગાય રાખી હતી.’ તેના કોચ પ્રદીપ સિહાગ કહે છે કે ‘અંતિમ ખૂબ જ સ્ફૂર્તિ ધરાવે છે. તેણે કોમનવેલ્થ ટ્રાયલમાં વિનેશ ફોગાટ જેવી ખેલાડીને પણ ચોંકાવી દીધી હતી. હજુ તો તેનો સમય શરૂ થયો છે.’