લંડનઃ પાકિસ્તાન ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને દિગ્ગજ બોલર વસિમ અક્રમે પોતાની આત્મકથામાં ચોંકાવનારો ખુલાસો કરતાં જણાવ્યું હતું કે તેને એક સમયે કોકેન(ડ્રગ)ની ખરાબ આદત વળગી હતી. તેણે જણાવ્યું છે કે આ લત તેને ક્રિકેટમાંથી સંન્યાસ લીધા બાદ વળગી હતી અને પોતાની પ્રથમ પત્ની હુમાના મૃત્યુ બાદ ખૂબ પ્રયત્ન કરીને આ ખરાબ આદતમાંથી છુટકારો મેળવ્યો હતો.
અક્રમ સ્વીકારે છે કે તેણે ઇંગ્લેન્ડમાં એક પાર્ટી દરમિયાન પ્રથમવાર કોકેન લીધું હતું. પહેલાં તો મેં એક લાઇન ખેંચી હતી, તે પછી બે પર અને પછી ત્રણ લાઇન પર પહોંચ્યો અને પછી આ એક ગ્રામ ક્યારેક બે ગ્રામમાં તબદીલ થઇ ગયું તેની ખબર જ રહી ન હતી. વસિમ કહે છે કે ડ્રગ મારા પર એવું છવાઇ ગયું હતું કે મને લાગતું હતું કે હું તેના વગર રહી શકીશ નહીં. પાર્ટીઓ મારી પસંદ બની ગઇ. કોકેને મને અસ્થિર બનાવી દીધો. આ બધા દરમિયાન મારી પ્રથમ પત્ની હુમા એકલી પડી જતી હતી. તેને ઇંગ્લેન્ડથી કરાચી પોતાના માતા-પિતાની પાસે જવું હતું પણ હું તેમ ઇચ્છતો ન હતો.
પત્નીના મોતે જિંદગી બદલી નાખી
અક્રમ વધુમાં ઉમેરે છે કે પત્ની હુમાના મોતે તેને હચમચાવી દીધો હતો. હુમાના મોતથી અક્રમની લાઇફ બદલાઇ ગઇ. તે પછી અક્રમે નિર્ણય કર્યો હતો કે હવે તે જીવનભર ક્યારેય કોકેનનું સેવન નહીં કરે. ખતરનાક ડ્રગને છોડવા માટે તેણે ખૂબ મહેનત અને મન મક્કમ કરવું પડયું પણ આખરે તે ખરાબ લતમાંથી બહાર આવી ગયો હતો.
હુમાએ તેને ડ્રગ સાથે પકડી લીધો હતો
અક્રમ કહે છે કે હુમા જીવતી હતી ત્યારે તેણે મને ડ્રગ સાથે ઝડપી લીધો હતો. હુમાએ અક્રમને નશો છોડવા સમજાવ્યો હતો અને તે પછી અક્રમ ડોક્ટર પાસે પણ ગયો હતો પણ આ ડોક્ટર ઠગ નીકળ્યો હતો. તેણે ઇલાજ કરવાના બદલે સમગ્ર પરિવારને ગુમરાહ કર્યો હતો. અક્રમની મુશ્કેલીઓમાં ઉલટો વધારો થયો હતો અને વાત હુમા સાથે છૂટાછેડા સુધી પહોંચી ગઇ હતી. 2009માં હુમાનું મોત એક દુર્લભ ફંગસ બીમારી મ્યૂકોર્માઇકોસીસના કારણે થયું હતું. અક્રમ માને છે કે હુમાના પ્રયાસોના કારણે જ તે ડ્રગના નશામાંથી બહાર આવી શક્યો છે. તે કહે છે કે મેં તે જીવનનો અંત લાવી દીધો અને પછી ફરી ક્યારેય પાછળ ફરીને જોયું નથી.