નવી દિલ્હીઃ ભારતના ટોચના જ્વેલિન થ્રોઅર નીરજ ચોપરાએ પોલેન્ડમાં ચાલી રહેલી અંડર-૨૦ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં વર્લ્ડ રેકોર્ડ નોંધાવીને નવો ઇતિહાસ રચ્યો છે. નીરજે ૮૬.૪૮ મીટરના અંતરે જ્વેલિન થ્રો કરીને લેટિવિયાના જિગિસ્મંડ સિરમાયસના ૮૪.૬૯ મીટરના રેકોર્ડને તોડી નાખ્યો હતો. હરિયાણાના ૧૮ વર્ષીય નીરજની આ સિદ્ધિ ભારત માટે પણ એક નવો રેકોર્ડ છે. અગાઉ કોઇ પણ ભારતીય એથ્લિટ્સે જ્વેલિન થ્રોમાં વિશ્વ સ્તરે ગોલ્ડ મેડલ જીત્યો નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નીરજને તેની સિદ્ધિ બદલ અભિનંદન આપ્યા છે.
ઉલ્લેખનીય છે કે નીરજે આ જ વર્ષે સાઉથ એશિયન ગેમ્સમાં ૮૨.૨૩ મીટરના થ્રો સાથે રેકોર્ડ નોંધાવ્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નીરજને તેની સિદ્ધિ બદલ અભિનંદન આપ્યા છે. ઉપરાંત રમતગમત પ્રધાન વિજય ગોયલે નીરજને આ સિદ્ધિ બદલ અભિનંદન આપવાની સાથે રમત મંત્રાલય દ્વારા ૧૦ લાખ રૂપિયાના ઇનામની જાહેરાત કરી હતી.
પ્રથમ થ્રોમાં નીરજ માત્ર ૭૯.૬૬ મીટર સુધી જ્વેલિન થ્રો કરી શક્યો હતો. ઉપરાંત ત્રીજા થ્રોમાં તે માત્ર ૭૮.૩૬ મીટરનું અંતર હાંસલ કરી શક્યો હતો. જોકે તેણે બીજા થ્રોમાં તેણે ૮૬.૪૮ મીટરનું વિક્રમજન અંતર હાંસલ કરીને પોતાના હરીફોને ઘણા પાછળ રાખી દીધા હતા. નીરજ હવે એથ્લેટિક્સની જુનિયર તથા સિનિયર એમ બંને સ્પર્ધામાં રેકોર્ડ ધરાવતો એકમાત્ર ભારતીય ખેલાડી છે.