ફૂટબોલ સ્ટાર નેયમારની પાંચ કરોડ ડોલરની સંપત્તિ સીલ

Saturday 20th February 2016 05:32 EST
 
 
સાઓ પાઉલોઃ બ્રાઝિલના સ્ટાર ફૂટબોલર નેયમાર દ્વારા ટેક્સચોરી કરાયાના આરોપ બાદ બ્રાઝિલી અધિકારીઓએ કોર્ટના આદેશથી નેયમારની અંદાજે ૫૦ મિલિયન ડોલર (પાંચ કરોડ ડોલર)ની સંપત્તિ સીલ કરી દીધી છે. જપ્ત કરાયેલી સંપત્તિમાં તેના જેટ પ્લેન જેટ અને લક્ઝુરિયસ યોટનો પણ સમાવેશ થાય છે. આ જેટનો ઉપયોગ નેયમાર વર્લ્ડ કપની ક્વોલિફાઇંગ મેચોના સ્થળે પહોંચવા અને રજા ગાળવા માટે ઉપયોગ કર્યો હતો.
બ્રાઝિલી મીડિયા મુજબ, ગત વર્ષે નેયમાર અને તેનો પરિવાર વર્ષ ૨૦૧૧થી ૨૦૧૩ વચ્ચે ૧૬ મિલિયન ડોલરનો ટેક્સચોરી કરવાનો દોષી જાહેર થયો હતો. આ મામલે નેયમારે સાઓ પાઉલોની એક ફેડરલ કાર્ટમાં અપીલ કરી પોતાની સંપત્તિ સીલ કરવાના વોરંટ સ્ટે માટે અરજી કરી હતી. નેયમારના જેટને સીલ કરાયું છે.
બ્રાઝિલની ફેડરલ ટેક્સ એજન્સીના ઓડિટર ઇગારો જુંગ માર્ટિન્સે કહ્યું કે, જો નેયમાર પોતાનો બાકી ટેક્સ ભરી દે તો તે જેલ જવાથી બચી જશે. તે ટેક્સની રકમ ભરી દે તો સમગ્ર મામલો પૂર્ણ થઈ જશે. ઉલ્લેખનીય છે કે, નેયમાર અને તેના પિતાનો ખરાબ સમય ચાલી રહ્યો હોય તેમ ગત બીજી ફેબ્રુઆરીના રોજ મેડ્રિડની કોર્ટમાં નેયમાર અને તેના પિતાની બાર્સેલોના ટ્રાન્સફર મામલે ત્રણ કલાક સુધી પૂછપરછ કરાઈ હતી.ફૂટબોલની રમત ગળથૂંથીમાં મળી છેપિતા નેયમાર સેન્ટોસ સિનિયર ફૂટબોલર હોવાને કારણે જ ફૂટબોલ રમવાની ટેકનીક અને ચાલાકીઓ શીખવાનું નેયમાર માટે મુશ્કેલ નહોતું. ૫ ફેબ્રુઆરી, ૧૯૯૨ના રોજ જન્મેલો નેયમાર વારસામાં મળેલી આ રમતમાં તે સફળતા મેળવવા લાગ્યો. પિતા તેના સલાહકારની ભૂમિકા ભજવવા લાગ્યા. નેયમારના પિતા જ તેના ફાયનાન્સ અને અન્ય જવાબદારીઓની દેખરેખ કરે છે.૨૦૦૩ની વાત છે. તે સમયે નેયમાર જુનિયર નવ વર્ષનો હતો. પરિવાર બ્રાઝિલના સાઓ પાઉલોથી સાઓ વિન્સેટ આવીને વસી ગયો. ત્યારથી જ નેયમારની રમત ધારદાર બની ગઈ હતી. નેયમારે સેન્ટોસ ફૂટબોલ કલબ તરફથી રમવાની શરૂઆત કરી હતી. યુવાવયથી જ તેમણે અઢળક આવક રળવાની શરૂઆત કરી દીધી ત્યારે તેમના પિતાએ વિલા બેલમિરો ખાતે એક મકાન ખરીદીને પ્રથમ સંપત્તિ ઊભી કરી દીધી.
૧૫ વર્ષીય નેયમાર તે સમયે દર મહિને ૧૦ હજાર રિઅલ (બ્રાઝિલનું ચલણી નાણું)ની કમાણી કરતા હતા. જે એક જ વર્ષમાં વધીને દર મહિને ૧.૨૫ લાખ રિઅલ થઈ ગઇ હતી. અહીંથી જ આ પરિવારે સફળતાના દિવસો જોયા હતા.
જુલાઈ મહિનો નેયમાર માટે હંમેશા શુભ રહ્યો છે અને સુખદ સમાચારો લઈને જ આવતો હતો. જુલાઈ ૨૦૧૦માં નેયમાર પ્રથમ વખત બ્રાઝિલની સિનિયર ટીમમાં પસંદગી પામ્યો હતો અને જુલાઈ ૨૦૧૨માં જ તેણે બ્રાઝિલના સમર ઓલિમ્પિક માટે પ્રથમ ગોલ કર્યો હતો.
ગોલ અને તેમની વયમાં પણ એક રસપ્રદ સંજોગ છે. તે જ્યારે ૨૦ વર્ષનો થયો ત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં ૧૦૦ ગોલ કરી ચૂક્યો હતો. જોકે તેનું વ્યક્તિગત જીવન વિવાદાસ્પદ રહ્યું છે. ૧૯ વર્ષની વયે જ તે એક બાળકનો પિતા બની ગયો હતો. પરંતુ તેની માતા કેરોલિના ડેન્ટાસ સાથે તેને હવે સંબંધ નથી.

comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter