મેડ્રિડઃ ટોપ સિડેડ નોવાક જોકોવિચે બ્રિટનના એન્ડી મરેને હરાવીને મેડ્રિડ ઓપનનું ટાઇટલ જીતવા સાથે વિક્રમજનક ૨૯મુ માસ્ટર્સ ટાઈટલ જીત્યું છે. સર્બિયન ખેલાડી જોકોવિચે મરેને રવિવારે મેડ્રિડ ઓપનની ફાઈનલમાં ૬-૨, ૩-૬, ૬-૩થી પરાજય આપ્યો હતો. ફાઈનલ ગેમમાં જોકોવિચે સાત બ્રેક પોઈન્ટ બચાવ્યા હતા અને રવિવારે તેણે ત્રીજા મેચ પોઈન્ટ સાથે મેચ જીતી લીધી હતી. આ સાથે તે માસ્ટર્સ ટૂર્નામેન્ટમાં વિજયોમાં રાફેલ નાદાલથી આગળ નીકળી ગયો છે. પરાજય થતાં એન્ડી મરે તેના ૧૨મા માસ્ટર્સ ટાઇટલથી વંચિત રહ્યો છે. આ સાથે જોકોવિચે બ્રિટનના ખેલાડીને રેન્કિંગમાં પણ નીચે ઉતારીને ત્રીજા સ્થાને પહોંચાડ્યો હતો.
જોકોવિચનો પહેલા સેટમાં દબદબો રહ્યો હતો, જે તેણે છેલ્લે સુધી જાળવી રાખ્યો હતો. બન્ને ખેલાડીઓએ નિર્ણાયક તબક્કે ભૂલો કરી હતી. જોકોવિચે ૨૫ વિનર્સ ફટકાર્યા હતા, પરંતુ એટલી જ અનફોર્સ્ડ એરર પણ કરી હતી. મરેએ મેચમાં ૧૦ એસ કર્યા અને મેચ બે કલાક ૬ મિનિટ સુધી ચાલી હતી.
ઉલ્લેખનીય છે કે જોકોવિચે સ્પેનમાં દસ વર્ષ પહેલા મરેને પહેલી વખત હરાવ્યો હતો. ૨૦૦૬માં મરેને ત્રણ સેટમાં હરાવનારા ૨૮ વર્ષીય જોકોવિચે કહ્યું હતું કે દસ વર્ષ બાદ અમે વિશ્વના બે શ્રેષ્ઠ ખેલાડીઓ છીએ. અમે બન્ને એકબીજાને ૧૨ વર્ષના હતા ત્યારથી ઓળખીએ છીએ અને ટોચ પર રહેવા પ્રયાસ કરતા રહીએ છીએ. મારું માનવું છે કે જુનિયર હતા ત્યારથી જ અમે ટેનિસ વિશ્વની ટોચ પર પહોંચવાનો ઈરાદો ધરાવતા હતા.
જોકોવિચે કહ્યું હતું કે હું આ ખેલાડીને લાંબા સમયથી ઓળખું છું અને મારે તેની સાથે ખૂબ જ સારા અને મૈત્રીપૂર્ણ સંબંધ ટેનિસ કોર્ટમાં અને કોર્ટની બહાર છે. તેને કટ્ટર પ્રતિસ્પર્ધી બનાવવો એ બહુ આનંદની વાત છે.
૨૦૧૪થી અત્યાર સુધીમાં જોકોવિચ મરે સામે ૧૩ મેચમાંથી ૧૨ જીત્યો છે. વળી તેનો બ્રિટનના ૨૮ વર્ષીય ખેલાડી સામેનો રેકોર્ડ ૨૩-૯નો છે. જોકોવિચનું મેડ્રિડમાં આ બીજું ટાઈટલ છે અને આ સત્રમાં પાંચમું ટાઈટલ છે. તેનો આ ૩૩મો વિજય છે, જે ૨૦૧૬ની ટૂરમાં સર્વાધિક છે.