નવી દિલ્હીઃ આવતા પખવાડિયે ૨૨ સપ્ટેમ્બરથી ન્યૂ ઝીલેન્ડ સામે શરૂ થઈ રહેલી ત્રણ ટેસ્ટ મેચની સિરીઝ માટે સોમવારે ટીમ ઇન્ડિયાની જાહેરાત થઇ છે. લાંબા સમયથી ફોર્મ માટે ઝઝૂમી રહેલા રોહિત શર્માને ફરી તક મળી છે તો લાંબા સમયથી ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરી રહેલા અનુભવી બેટ્સમેન ગૌતમ ગંભીરની ફરી ઉપેક્ષા થઇ છે.
વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસમાં ભારતે ૧૭ સભ્યોની ટીમ જાહેર કરી હતી જ્યારે ન્યૂ ઝીલેન્ડ સામેની સિરીઝમાં ૧૫ સભ્યોને સામેલ કરાયા છે. વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસમાં સામેલ કરાયેલા સ્ટુઅર્ટ બિન્ની અને શાર્દુલ ઠાકુરને પડતા મૂકાયા છે. વિરાટ કોહલીના નેતૃત્વ હેઠળની ટીમમાં છ બેટિંગ સ્પેશિયાલિસ્ટ સામેલ છે જ્યારે રિદ્ધિમાન સહાને વિકેટકીપર તરીકે સ્થાન અપાયું છે. ઓપનિંગની જવાબદારી મુરલી વિજય અને શિખર ધવન પર રહેશે જ્યારે મિડલ ઓર્ડરમાં કોહલી, રહાણે, લોકેશ રાહુલ, રોહિત અને ચેતેશ્વર પુજારાને સ્થાન અપાયું છે. ટીમમાં રવીન્દ્ર જાડેજા એકમાત્ર ઓલરાઉન્ડર છે. ઝડપી બોલિંગ આક્રમણ ઇશાંત શર્મા અને મોહંમદ શમીને શિરે રહેશે જ્યારે સ્પિન વિભાગમાં અમિત મિશ્રા અને અશ્વિનને સ્થાન અપાયું છે.
વન-ડે ક્રિકેટમાં પોતાની એક અલગ જગ્યા બનાવનાર રોહિત શર્મા ટેસ્ટ ક્રિકેટમાં સાતત્યપૂર્ણ દેખાવ કરી શક્યો નથી છતાં તેને ટીમમાં જાળવી રખાયો છે. રોહિતે ૨૦૧૩માં વેસ્ટ ઇન્ડીઝ સામેની ટેસ્ટ સિરીઝમાં સતત બે સદી ફટકારી ટેસ્ટ ક્રિકેટની શાનદાર શરૂઆત કરી હતી. તેની પાસે સારી ટેક્નિક છે પરંતુ તે નિરંતર સારો દેખાવ કરી શક્યો ન હોવાથી પ્લેઇંગ ઇલેવનમાં પોતાનું સ્થાન કાયમી બનાવી શક્યો નથી.
છેલ્લા બે વર્ષથી ટીમ ઇન્ડિયાથી બહાર ચાલી રહેલા ગૌતમ ગંભીરે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સતત સારો દેખાવ કર્યો છે. તેણે દુલીપ ટ્રોફીમાં સતત ચાર અર્ધી સદી ફટકારી હતી જે પૈકી બે વખત નર્વસ નાઇન્ટીનો ભોગ બન્યો હતો. ગંભીરના ફોર્મને લઈ તેને સ્થાન અપાય તેવી શક્યતા વર્તાતી હતી પરંતુ તેને નજરઅંદાજ કરાયો છે.
ટીમ ઇંડિયાઃ વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે, લોકેશ રાહુલ, મુરલી વિજય, શિખર ધવન, ચેતેશ્વર પૂજારા, રોહિત શર્મા, આર. અશ્વિન, રિદ્ધિમાન સહા, રવીન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, ઇશાંત શર્મા, ભુવનેશ્વરકુમાર, અમિત મિશ્રા, ઉમેશ યાદવ.