ક્રાઇસ્ટચર્ચ, તા. ૨૨ઃ ન્યૂ ઝીલેન્ડ ક્રિકેટ ટીમના વિકેટકિપર બેટ્સમેન લ્યૂક રોન્કીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. ન્યૂ ઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે ૨૨ જૂને આ જાહેરાત કરી હતી. રોન્કીએ ૨૦૦૮થી ૨૦૦૯ દરમિયાન ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમ તરફથી ચાર વન-ડે અને ત્રણ ટી૨૦ મેચ રમી હતી. ૨૦૧૩માં તે પોતાના વતન ન્યૂ ઝીલેન્ડ પરત ફર્યા હતા. પોતાના નિવેદનમાં રોન્કીએ કહ્યું કે, મારા માટે આ એક સ્વપ્ન સાચું થવા જેવું હતું. હું ન્યૂ ઝીલેન્ડ ક્રિકેટમાં સામેલ થવા માટે આનાથી વધુ સારા સમય અંગે વિચારી શકતો નહોતો. મારા માટે વર્ષ ૨૦૧૫નો વર્લ્ડ કપ અને તે સમયે ટીમ સાથે કરેલા વિદેશ પ્રવાસ મારા જીવનના સૌથી યાદગાર પળ છે. ૩૬ વર્ષીય લ્યૂક રોન્કીએ પોતાની કારકિર્દીમાં ન્યૂ ઝીલેન્ડ તરફથી ચાર ટેસ્ટ, ૮૫ વનડે અને ૩૨ ટી ૨૦ મેચ રમી હતી. રોન્કીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી ભલે નિવૃત્તિ લીધી હોય, પરંતુ તે વેલિંગ્ટન તરફથી ઘરેલું ટુર્નામેન્ટમાં રમતો રહેશે.