ચેસ્ટર લી સ્ટ્રીટઃ શનિવારે વરસાદના વિઘ્ન વચ્ચે રમાયેલી શ્રેણીની પાંચમી અને અંતિમ વન-ડેમાં ઇંગ્લેન્ડે વિકેટકીપર બેઇરસ્ટોના શાનદાર પ્રદર્શન (અણનમ ૮૩ રન)ની મદદથી ન્યૂ ઝીલેન્ડને હરાવવાની સાથોસાથ ૩-૨થી સિરીઝ પણ જીતી લીધી છે. ટીમને કટોકટીમાંથી ઉગારીને વિજય પંથે દોરી જનાર જે. એમ. બેઇરસ્ટો મેન ઓફ ધ મેચ જાહેર થયો હતો.
ન્યૂ ઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતાં ૫૦ ઓવરમાં નવ વિકેટે ૨૮૩ રન કર્યા હતા, પણ વરસાદ આવતાં ડકવર્થ લુઇ નિયમ મુજબ ઇંગ્લેન્ડને મેચ જીતવા માટે ૨૬ ઓવરમાં ૧૯૨ રન કરવાનું લક્ષ્યાંક અપાયું હતું. ઇંગ્લેન્ડે આ ટાર્ગેટ સાત વિકેટના ભોગે ૨૫ ઓવરમાં મેળવી લીધું હતું. જોકે એક સમયે ઇંગ્લેન્ડે ૪૫ રનમાં પાંચ વિકેટ ગુમાવી દેતાં તે લગભગ પરાજયના આરે પહોંચી ગયું હતું.
જોકે કટોકટીના આ સમયે બેઇરસ્ટો અને બિલિંગ્સે વિકેટ પર ટકી રહીને ૮૦ રનની ભાગીદારી નોંધાવીને સ્કોર ૧૨૫ રને પહોંચાડયો હતો. બિલિંગ્સ ૪૧ રન બનાવી આઉટ થયા બાદ વિલી પણ પેવેલિયન પરત ફરતાં સમગ્ર જવાબદારી બેઇરસ્ટો પર આવી ગઈ હતી. બાદમાં બેઇરસ્ટોએ રશીદ સાથે મળી ટીમને ૨૫મી ઓવરમાં જીત અપાવી હતી.