કરાચીઃ બિલિયર્ડસ-સ્નૂકરની રમતમાં ઇંડિયા’સ ગોલ્ડન બોય તરીકે ઓળખાતા પંકજ અડવાણીએ મંગળવારે વર્લ્ડ સિક્સ-રેડ સ્નૂકર ચેમ્પિયનશીપ જીતીને ઇતિહાસ રચ્યો છે. આઇબીએસએફ વર્લ્ડ સિક્સ-રેડ સ્નૂકરમાં તેનું બીજું વર્લ્ડ ટાઇટલ છે, જ્યારે કારકિર્દીનું ૧૩મું વર્લ્ડ ટાઇટલ છે. કરાચીમાં રમાયેલી ફાઇનલમાં પંકજ અડવાણીએ ભારે રસાકસી બાદ ૬-૨થી ચીનના યાન બિંગતાઓને હરાવીને ટૂર્નામેન્ટ જીતી હતી.
બેસ્ટ ઓફ ૧૧ની ફાઇનલમાં પંકજ અડવાણીએ આક્રમક શરૂઆત કરતાં ૩-૦થી સરસાઇ મેળવી હતી. જોકે આ પછી બિંગતાઓએ વળતી લડત આપીને પછીની બે ગેમ જીતી લીધી હતી. જોકે અડવાણીએ આ પછીની બે ગેમમાં શાનદાર દેખાવ કરતાં તેના હરિફને એક પણ સ્કોર કરવાની તક આપી નહતી. તેણે સાતમી ફ્રેમમાં ૭૧નો મેસિવ બ્રેક કર્યો હતો. આ પછી તેણે રમત પર મેળવીને ગયા વર્ષે ઇજિપ્તમાં જીતેલું વર્લ્ડ ટાઇટલ જાળવ્યું હતું.
ભારતના યુવા ખેલાડી પંકજ અડવાણીએ ૨૦૦૩માં વર્લ્ડ સ્નૂકર ચેમ્પિયનશીપ જીતીને બધાનું ધ્યાન ખેંચ્યું હતું. આ પછી તેણે ૨૦૦૫માં વર્લ્ડ બિલિયર્ડસમાં ટાઇમ અને પોઈન્ટ ફોર્મેટમાં ચેમ્પિયનશીપ જીતીને ઇતિહાસ રચ્યો હતો. ૨૦૦૮માં પણ તેણે આ સિદ્ધિનું પુનરાવર્તન કર્યું હતું. વર્ષ ૨૦૧૪માં તેણે શાનદાર દેખાવ કરતાં વર્લ્ડ બિલિયર્ડસમાં ટાઇમ અને પોઈન્ટ ફોર્મેટમાં ચેમ્પિયનશીપ જીતી હતી. આ ઉપરાંત તે સિક્સ-રેડ વર્લ્ડ સ્નૂકરમાં અને વર્લ્ડ ટીમ બિલિયર્ડસ ચેમ્પિયનશીપમાં પણ ચેમ્પિયન બનવામાં સફળ રહ્યો હતો. આ ઉપરાંત તે એશિયન ગેમ્સમાં ભારતને બે વખત ગોલ્ડ મેડલ અપાવી ચૂક્યો છે. તેના નામે પાંચ એશિયન અને ૨૪ નેશનલ ટાઇટલ નોંધાયેલા છે.