માન્ડાલાય (મ્યાનમાર)ઃ ક્યુ સ્પોર્ટસ તરીકે ઓળખાતા બિલિયર્ડ્ઝ અને સ્નૂકરમાં ભારતના લેજન્ડરી સુપરસ્ટાર પંકજ અડવાણીએ તેનો દબદબો યથાવત્ રાખતાં ૨૨મું વર્લ્ડ ટાઈટલ જીતીને ઈતિહાસ રચ્યો છે.
મ્યાનમારના યજમાનપદે રમાયેલી આઇબીએસએફ વર્લ્ડ બિલિયર્ડ્ઝ ચેમ્પિયનશીપના ૧૫૦-અપ ફોર્મેટમાં પંકજ અડવાણી વર્લ્ડ ચેમ્પિયન બન્યો હતો. ડિફેન્ડિંગ ચેમ્પિયન પંકજે ફાઈનલમાં ગત વર્ષના હરીફ એવા મ્યાનમારના નાય થ્વાય ઓઓને ૬-૨થી પરાસ્ત કર્યો હતો.
વર્લ્ડ ટાઈટલ જાળવવાની સાથે સાથે ૩૪ વર્ષીય પંકજ અડવાણીએ સતત છઠ્ઠા વર્ષે ઓછામાં ઓછી એક વર્લ્ડ ચેમ્પિયનશીપ જીતવાનો સિલસિલો જાળવી રાખ્યો હતો. વર્ષ ૨૦૧૪ બાદ પંકજ દર વર્ષે ઓછામાં ઓછું એક વર્લ્ડ ટાઈટલ તો જીત્યો જ છે.
બિલિયર્ડ્ઝમાં ૧૫૦-અપ ફોર્મેટ ટ્વેન્ટી-૨૦ ક્રિકેટ જેવું છે. પંકજ આ ફોર્મેટમાં છેલ્લા છ વર્ષમાં પાંચમી વખત વર્લ્ડ ચેમ્પિયન બન્યો છે. તેણે વધુ એક વર્લ્ડ ટાઈટલ જીત્યા બાદ કહ્યું હતું કે, આ પ્રકારના અત્યત રોમાંચક મુકાબલામાં સતત ચોથા વર્ષે વિજેતા બનવું આસાન નહોતું. તેમાંય છેલ્લા છ વર્ષમાં પાંચમી વખતની જીત મારા માટે વિશેષ મહત્વ ધરાવે છે.
ગત વર્ષના ફાઈનલીસ્ટ વચ્ચે ખેલાયેલા મુકાબલામાં પંકજે ફરી એક વખત પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી હતી. તેણે ગત વર્ષની ફાઈનલના ૬-૨થી સ્કોરથી આ વખતે પણ જીત હાંસલ કરી હતી.