મુંબઇઃ ગયા મહિને કાર અકસ્માતનો ભોગ બનેલા ભારતીય વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતની મુંબઇની એક પ્રાઇવેટ હોસ્પિટલમાં ટ્રિટમેન્ટ ચાલી રહી છે અને તેના ઘૂંટણમાં સફળ સર્જરી કરાઇ છે. પંત હાલમાં ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) અને હોસ્પિટલની મેડિકલ ટીમની નજર તળે છે અને તેની હેલ્થમાં ઘણો જલદીથી સુધારો થઈ રહ્યો છે. 30 ડિસેમ્બરે રૂડકીની નજીક પંતને અકસ્માત થયો હતો અને તેને પ્રાથમિક ઉપચાર માટે દેહરાદૂન લઈ જવાયો હતો. ત્યારબાદ તેને મુંબઇ શિફ્ટ કરાયો છે. પંતના ઘૂંટણના સ્નાયુ ફાટી ગયા છે અને તેને શરીરના અન્ય ભાગમાં પણ ઈજાઓ થઈ હતી. પંત આઇપીએલ ટી20 લીગ સહિત ચાલુ વર્ષના અંત ભાગમાં રમાનારા આઇસીસી વન-ડે વર્લ્ડ કપને પણ ગુમાવે તેવી સંભાવના છે. પંતની સર્જરી લગભગ ત્રણ કલાક સુધી ચાલી હતી. બીસીસીઆઇએ પણ તેની સર્જરી અને હેલ્થ અંગે જાણકારી આપી હતી.