ટોક્યો: ભારત માટે ટોક્યો પેરાલિમ્પિકમાં રવિવારનો દિવસ ચાંદી જ ચાંદી લઈને આવ્યો હતો. રવિવારે સવારે ભારતની અને વિશેષ ગુજરાતની દિવ્યાંગ ટેબલ ટેનિસ પ્લેયર ભાવિના પટેલે કારકિર્દીમાં પ્રથમવાર પેરાલિમ્પિકમાં ભાગ લેતાં ઐતિહાસિક રજત ચંદ્રક જીત્યો હતો. ઉલ્લેખનીય છે કે, રવિવારે વહેલી સવારે ટોકયો પેરાલિમ્પિકમાં યોજાયેલી વિમેન્સ સિંગલ્સ ટેબલ ટેનિસની ક્લાસ ફોર ફાઇનલમાં જોકે ભાવિના પટેલનો ચીનની વર્લ્ડ નંબર વનનું રેન્કિંગ ધરાવતી યિંગ ઝોઉ સામે ૦-૩થી પરાજય થતાં સુવર્ણ ચંદ્રક જીતવાનું સ્વપ્ન રોળાયું હતું.
૩૪ વર્ષીય ભાવિના પટેલનો ૧૯ મિનિટ ચાલેલી મેચમાં પેરાલિમ્પિકમાં બે વાર સુવર્ણ ચંદ્રક વિજેતા યિંગ ઝોઉ સામે ૭-૧૧, ૫-૧૧, ૬-૧૧થી પરાજય થયો હતો. ભાવિના પટેલના રજત ચંદ્રકની સાથે ભારતે ટોક્યો પેરાલિમ્પિકમાં ખાતું ખોલાવ્યું હતું.
ટોક્યો પેરાલિમ્પિકમાં ઇતિહાસ રચ્યા પછી ભાવિના પટેલે જણાવ્યું હતું કે, ગોલ્ડ મેડલ માટેની મેચમાં ૧૦૦ ટકા એફર્ટ આપી ન શકવાના કારણે હું હતાશ થઇ છું. એક તરફ હું ઘણી ખુશ છું અને બીજી તરફ મારામાં હતાશા પણ છે. આગામી પેરાલિમ્પિકમાં હું મારી તમામ ખામીઓ દૂર કરીને ઝંપલાવીશ. હું સંયમ રાખવામાં સક્ષમ છું. મારા માટે એ મોટી બાબત નથી પણ આ પહેલો અનુભવ હતો.
ભાવિના પટેલે ઇતિહાસ લખ્યોઃ વડા પ્રધાન
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ટોક્યોમાંથી એક જ દિવસમાં બે વખત આનંદના સમાચાર આવ્યા હતા. આ ભારત માટે ગર્વની વાત છે. ભાવિના પટેલની સિદ્ધિ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ભાવિના પટેલનું પરાક્રમ દેશના યુવાઓ માટે પ્રેરણાદાયી છે. ભાવિના પટેલે ઇતિહાસ લખ્યો છે. તેમણે ભાવિના સાથે ફોન પર વાત કરીને તેને અભિનંદન આપ્યા હતા.
બીજી તરફ તેમણે નિષાદ કુમારના વિજયને પણ બિરદાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, નિષાદ કુમારના વિજયથી ખૂબ જ આનંદ થયો. તેમણે ટી૪૭ હાઈજંપમાં સિલ્વર મેળવ્યો છે. આ ઉપરાંત વિનોદકુમારના પ્રદર્શનના પણ વખાણ કર્યા હતા.
રૂ. ૩ કરોડનો પુરસ્કાર
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ટોક્યો પેરાલિમ્પિક્સમાં ટેબલટેનિસમાં સિલ્વર મેડલ જીતીને દેશને અને ગુજરાતને ગૌરવ અપાવનારી રમત-વીરાંગના ભાવિના પટેલને અભિનંદન આપ્યાં છે અને ભાવિનાને રૂ. ૩ કરોડની ધનરાશિ આપવાની ઘોષણા કરી છે. મુખ્ય પ્રધાને વીડિયો કોલ કરીને ભાવિનાને અને તેના માતાપિતાને પણ જીત બદલ ધન્યવાદ પાઠવ્યાં હતા અને જણાવ્યું હતું
કે મહેસાણાની ફિઝિકલી ચેલેન્જ્ડ દીકરી ભાવિના પટેલે પોતાના ખેલ કૌશલ્યથી ગુજરાત સહિત સમગ્ર ભારતને વિશ્વસ્તરે ગૌરવ અપાવ્યું છે.
સચિન મારો આદર્શઃ ભાવિના
ભાવિના પટેલે જણાવ્યું હતું કે, મહાન બેટ્સમેન સચિન તેંડુલકર મારા માટે મોટી પ્રેરણા સમાન છે. હું તેમને એક વાર મળીને મારો મેડલ બતાવવા માગું છું. સચિન તેંડુલકરે લાંબી કારકિર્દીમાં મેળવેલી સિદ્ધિઓમાંથી મને ઘણી પ્રેરણા મળી છે. તે મારો આદર્શ છે. ભારત પરત ફર્યા પછી હું મારો મેડલ તેને બતાવવા ઇચ્છું છું. હું હંમેશાં સચિનથી પ્રેરિત થતી રહી છું. હું મારી સગી આંખે તેમને જોવા માંગુ છું અને તેમની તમામ પ્રેરણાદાયી વાતો આત્મસાત કરવા માગું છું. જેથી મારા આત્મવિશ્વાસમાં વધારો થાય.
રોજની આઠથી દસ કલાક મહેનત
વડનગર તાલુકાના સુંઢીયા ગામે એક સામાન્ય ખેડૂત પરિવારની દિવ્યાંગ દીકરી ભાવિના પટેલે આંતરરાષ્ટ્રીય કક્ષાએ પેરાઓલિમ્પિકમાં સિલ્વર મેડલ મેળવ્યો છે તે નાનીસૂની સિદ્ધિ નથી. માત્ર ૧૨ મહિનાની માસુમ વયે પોલિયોનો ભોગ બનેલી ભાવિના પટેલની સફળતાની સંઘર્ષ ગાથા એવી છે કે ૨૦૦૫માં અમદાવાદ સ્થિત અંધજન મંડળમાં કોમ્પ્યુટરના અભ્યાસ અર્થે આઈટીઆઈમાં જોડાઇ હતી. આ સમયે તેના ખેડૂત પિતાની આર્થિક સ્થિતિ નબળી હોવાથી તેણે નાની ઉંમરે વર્ષ ૨૦૦૭ અને ૨૦૦૮માં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ટોકન બારી પર કેસ કાઢવાનું કામ કરીને ઘરનું ગુજરાન ચલાવતી હતી. દિવ્યાંગ હોવા છતાં તે દરરોજ સિટી બસની મુસાફરી કરીને કામના સ્થળે પહોંચતી હતી અને પોતાની નોકરી સાથે રોજના ૮થી ૯ કલાક પ્રેક્ટિસ કરીને ટેબલ ટેનિસની રમતને આગળ ધપાવી હતી. દિવ્યાંગ ભાવિનાએ વિશાખાપટ્ટનમ ખાતે ઓપરેશન કરાવ્યું હતું પરંતુ સફળતા મળી ન હતી. જોકે, બાદમાં અમદાવાદના એક તબીબે માનવતા દાખવી તેનું નિ:શુલ્ક ઓપરેશન કરી આપ્યું હતું. ભાવિનાએ સૌપ્રથમ ટેબલ ટેનિસમાં તાલુકા કક્ષાએ બ્રોન્ઝ મેડલ મેળવીને સિદ્ધિ હાંસલ કરી હતી. ૨૦૧૧થી ૨૦૧૩ દરમિયાન રાજય કક્ષાના ખેલ મહાકુંભમાં ભાગ લીધો હતો. ત્યારબાદ તબક્કાવાર નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાએ ટેબલ ટેનિસમાં ભાગ લીધો હતો. તેણે પાંચ ગોલ્ડ મેડલ, ૧૩ સિલ્વર મેડલ અને ૮ બ્રોન્ઝ મેડલ મેળવ્યાં હતાં. આ ઉપરાંત ભાવિના પટેલે ટેબલ ટેનિસ સાથે વ્હીલચેર દોડ અને ચેસની રમતમાં પણ ભાગ લઈને પોતાનું આગવું પ્રદર્શન રજૂ કર્યું છે.
ભાવિના પટેલના લગ્ન ૨૦૧૭માં અમદાવાદના ઘાટલોડિયામાં રહેલા નિકુલ નામના યુવક સાથે થયા છે. ભાવિનાના પિતાએ કહ્યું હતું કે સામાન્ય રીતે આ પ્રકારની રમત માટે લાખો રૂપિયાનો ખર્ચ થતો હોય છે. અમારી નબળી આર્થિક સ્થિતિ હોવાથી અમે ઉછીનાં નાણાં લાવીને ભાવિનાને રમત માટે પ્રોત્સાહન આપ્યું અને તૈયારી કરાવી છે.
ભાવિનાનો વડા પ્રધાન મોદી સાથેનો ૧૧ વર્ષ જૂનો ફોટો વાઈરલ
અમદાવાદઃ ટોક્યો પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતીને દેશને ગૌરવ અપાવનારી ભાવિના પેટલે સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે. દરમિયાન રમતગમત પ્રધાન અનુરાગ ઠાકુરે સોશિયલ મિડિયા પર એક ફોટો શેર કર્યો છે. આ ફોટો ૧૧ વર્ષ જૂનો અને તેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ટેબલ ટેનિસ પ્લેયર સોનિલ પટેલ અને ભાવિના પટેલ સાથે છે. આ તસવીરમાં નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા તે સમયની છે. આ તસવીરમાં નરેન્દ્ર મોદીએ સોનલ પટેલની વ્હીલચેરને પાછળથી પકડેલી છે. અને તેની બાજુની વ્હીલચેરમાં ભાવિના બેઠી છે. તસવીરમાં મોદી અને ખેલાડીઓ ખૂબ જ આનંદિત નજરે ચડે છે. આ ફોટો શેર કરતા અનુરાગ ઠાકુર લખે છે કે ઘણી વાર ઇતિહાસના પાનાને ખોલીને જોવામાં આવે તો સારામાં સારી સ્ટોરીની જાણકારી મળે છે. આ તસવીર ૨૦૧૦ની છે. તેમાં ડાબી સાઇડે સિલ્વર મેડલ જીતનારી ભાવિના પટેલ છે અને અન્ય ટેબલ ટેનિસ ખેલાડી સોન પણ તે સમયના મુખ્ય પ્રધાન મોદી સાથે છે.