ભરૂચઃ માદરે વતન દક્ષિણ ગુજરાતનું ગામ, જન્મ મુંબઇમાં અને કર્મભૂમિ બન્યું ન્યૂઝીલેન્ડ. સંયોગ એવો સર્જાયો કે મુંબઇની જમીન પર જ ક્રિકેટના સપનાં જોનાર યુવાન બીજા દેશ વતી ભારત સામે રમવા આવ્યો અને મુંબઇના આંગણે રેકોર્ડ બનાવી નાંખ્યો. વાત થઇ રહી છે ભારતમાં જ જન્મેલા ન્યૂઝીલેન્ડના લેફ્ટ આર્મ સ્પિનર એજાઝ પટેલની.
એજાઝ પટેલે મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રમાઇ રહેલી બીજી ટેસ્ટ મેચમાં ભારતની તમામ ૧૦ વિકેટ ખેરવી ઇતિહાસ સર્જ્યો છે. એજાઝ પટેલે આ સાથે અનિલ કુંબલે અને જિમ લેકર જેવા મહાન બોલર્સના રેકોર્ડની બરાબરી કરી છે. એજાઝ પટેલનો પરિવાર મૂળ ભરૂચ જિલ્લાના ટંકારિયા ગામનો વતની છે. ટેસ્ટ ઇતિહાસના ૧૪૪ વર્ષમાં તેણે ત્રીજા ખેલાડી તરીકે પોતાનું નામ અંકિત કરી દીધું છે. એજાઝ પટેલ દુનિયાનો એકમાત્ર એવો બોલર છે, જેણે વિરોધી ટીમની પ્રથમ ઇનિંગ્સમાં તમામ ૧૦ વિકેટ ખેરવી છે. અગાઉ અનિલ કુંબલે અને જિમ લેકરે પણ ૧૦-૧૦ વિકેટ ખેરવી છે. પરંતુ તેમણે ટેસ્ટ મેચના પાંચમા દિવસે અને બીજી ઇનિંગ્સમાં ૧૦ વિકેટ લીધી હતી. એજાઝે પ્રથમ ઇનિંગ્સ અને ટેસ્ટ મેચના બીજા દિવસે જ આ સિદ્વિ હાંસલ કરી છે.
૧૯૮૮ની ૨૧મી ઓક્ટોબરે મુંબઇમાં જન્મેલો એજાઝ પટેલ ૮ વર્ષનો હતો ત્યારે જ તેનો પરિવાર ન્યૂઝીલેન્ડ જઇને સ્થાયી થઇ ગયો હતો. પિતા યુનુસ પટેલ રેફ્રિજરેશન વ્યવસાય સાથે સંકળાયેલા હતા. જ્યારે માતા શહેનાઝ પટેલ સ્કૂલ ટીચર હતાં. ન્યૂઝીલેન્ડની માઉન્ટ મેરી સ્કૂલમાં એજાઝે અભ્યાસ કર્યો અને એર્વોડેલ કોલેજથી ડિગ્રી હાંસલ કરી. તેની પત્નીનું નામ નીલોફર પટેલ છે.
એજાઝ ક્રિકેટમાં પોતાની કારર્કીદીની પ્રારંભે ઝડપી બોલર હતો. જોકે કોચની સલાહ બાદ તેણે સ્પિન બોલિંગ શરૂ કરી. ઓક્ટોબર ૨૦૧૮માં સેન્ટનરની ગેરહાજરીને કારણે તેને ન્યૂઝીલેન્ડ તરફથી ઇન્ટરનેશનલ ડેબ્યુ કરવાની તક મળી અને એમાં જ પાંચ વિકેટ ઝડપી તેણે દરેકનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું. એજાઝ ભારતમાં ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સમાં સૌથી વધુ વિકેટ લેનાર કિવી સ્પિનર બની ગયો છે.