અમદાવાદઃ વર્લ્ડ કપમાં સતત 10 વિજય મેળવીને વર્લ્ડ ચેમ્પિયન બનવા માટે પ્રબળ દાવેદાર મનાતી ટીમ ઈન્ડિયાનો ઓસ્ટ્રેલિયા સામે ફાઈનલમાં છ વિકેટથી પરાજય થયો હતો. આખા વર્લ્ડ કપમાં ચેમ્પિયનના અંદાજમાં રમનારી ભારતની ટીમ ફાઈનલમાં મળેલી આંચકાજનક હાર બાદ ભારે હતાશ જોવા મળી હતી.
ફાઈનલ બાદ ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગરૂમમાં ભારે ગમગીનીનો માહોલ સર્જાયો હતો અને ખેલાડીઓ ધ્રુસ્કે-ધ્રુસ્કે રડી પડ્યા હતા તેવો ખુલાસો કોચ રાહુલ દ્રવિડે કર્યો હતો. ફાઈનલ બાદ મીડિયા સાથેની વાતચીતમાં કોચ રાહુલ દ્રવિડે કહ્યું કે, રોહિત શર્મા ભારે હતાશ થયો હતો. તેની સાથે અન્ય ખેલાડીઓની હાલત પણ એવી જ હતી. ડ્રેસિંગરૂમમાં ભારે ગમગીનીભર્યું વાતાવરણ હતુ. ખેલાડીઓ ખુબ જ ભાવુક બની ગયા હતા.
કોચ દ્રવિડે એમ પણ ઊમેર્યું કે, એક કોચ તરીકે ખેલાડીઓને અત્યંત ગમગીન હાલતમાં આંસુ સારતાં જોવા એ મારા માટે અત્યંત મુશ્કેલ હતું. કારણ કે હું એ બાબતનો સાક્ષી છું કે, આ ખેલાડીઓએ કેટલી સખત મહેનત કરી છે. તેઓએ આ બધા માટે કેટલો ભોગ આપ્યો છે.