ગયા રવિવારે રજાનો દિવસ અને બર્મિંગહામ ખાતે ભારત-પાકિસ્તાન વચ્ચે ચેમ્પીયન ટ્રોફીની ક્રિકેટ મેચ યોજાઇ હતી એટલે બન્ને દેશોના ક્રિકેટ ચાહકો બર્મિંગહામના એજબસ્ટન ખાતે મેચ માણવા ઉમટ્યા હતા. ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ એટલે બે દેશો વચ્ચે યુધ્ધ જામતું હોય એટલો જુસ્સો બેઉ તરફ જોવા મળે. રવિવારે સવારે સ્પેશીયલ પાકિસ્તાની ફલેગ અંકિત બસો લઇને ઉમટેલા પાકિસ્તાની ક્રિકેટ રસિકોએ અત્યંત ખાતરીપૂર્વકના નિવેદનો સાથે ટી.વી. ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, “રમઝાનના રોજા વખતે ભારત સામે પાકિસ્તાન ટક્કર લેવાનું છે એટલે "ઇન્સાલ્લાહ હમ હી મેચ જીતેંગે"!! પાકિસ્તાન ધ્વજ ચીતરેલા ચહેરા અને ટોપીઓ પહેરી તેમજ પાકિસ્તાની ધ્વજ અંકિત "કાશ્મીર હમારા હૈ"ના બેનરો સાથે આવેલા ઝનૂની પાકિસ્તાની ક્રિકેટ રસિકોનો પારો રવિવારે સાંજે સાવ નીચે ઉતરી ગયેલો જણાયો.
ભારતીય ત્રિરંગા અને ભૂરા રંગના ટીશર્ટ પહેરી એજબસ્ટનમાં ઉતરી આવેલા ભારતીય ક્રિકેટ રસિકોની સંખ્યા વધુ હતી. મેદાનની ચારેય કોર ભારતીય ત્રિરંગા લહેરાતા દેખાતા હતા. ભારતે ૧૨૪ રને પાકિસ્તાનને હરાવતાં દેશવિદેશોના ભારતીયોમાં ભારે હર્ષોલ્લાસ ફેલાયો. ભારતના નાનકડા ગામ-કસબાથી માંડી મોટા નગરો-શહેરોમાં રાત્રે જ લોકોના ટોળે ટોળાં ભારતીય ત્રિરંગા અને "ભારત માતા કી જય"ના જયઘોષ સાથે શેરીઓ-માર્ગો ઉપર ઉતરી આવ્યા હતા. લંડનમાં દરેક ભારતીય કલબો-રેસ્ટોરન્ટોમાં મહાકાય સ્ક્રીન ઉપર મેચ માણવાનું આયોજન કરાતાં તમામ જગ્યાએ ક્રિકેટ રસિકો ઉમટ્યા હતા. આપણા બલ્લેબાજો અને બોલરો વિરાટ કોહલી, યુવી, રોહિત શર્મા, હાર્દિક પંડ્યા અને શિખર ધવનની કુશળ કરામતે પાકિસ્તાનને ભોંયપરાસ્ત કરતાં ભારતે ૧૨૪ રને વિજય મેળવ્યો હતો. સાંજે છેલ્લા પાકિસ્તાની બેટ્સમેન હસન અલીને માત્ર બે જ રને આપણા બોલર શિખર ધવન (જેનું લાડકું નામ ગબ્બર છે)ની બોલીંગે છેલ્લી વિકેટ લઇ પેવેલીયન ભેગો કર્યો ત્યાં જ ભારત સહિત દેશવિદેશના ભારતીયોમાં વિજયોલ્લાસ છવાયો હતો. ક્વીન્સબરી ટયૂબ સ્ટેશન નજીક રીજન્સી કલબ બહાર સર્કલ પર થોકબંધ ભારતીય ક્રિકેટચાહકો એકઠા થયા હતા અને ઢોલ-નગારા ને મંજીરાના નાદ સાથે વિજયોત્સવ મનાવ્યો હતો. ભારતીય ક્રિકેટનું બ્લુ શર્ટ પહેરીને ઝૂમી ઊઠેલા ચાહકોમાંથી બે જુવાનિયા સર્કલ વચ્ચે ઉંચા થાંભલા પર ચઢી ગયા હતા અને ત્યાં વિશાળ ત્રિરંગો ફરકાવ્યો હતો. ગુજરાતીઓના ગઢ સમા વેમ્બલીના ઇલીંગ રોડ પર ગાડીઓ ભરીને જુવાનિયા ભૂરાં ટીશર્ટ પહેરીને આવ્યા હતા. અહીં ત્રિરંગા સાથે ઢોલના તાલે નાચતા જુવાનિયાઓએ ટ્રાફિક જામ કર્યો હતો. એ વખતે જતી-આવતી બસોના ડ્રાઇવરો પણ બસ રોકી સૌને આનંદ માણવા દીધો હતો.
પાકિસ્તાનનાં મિડિયા રડ્યા અને રોષિત લોકોએ ટી.વી. તોડ્યાં
પાકિસ્તાનની શરમજનક હાર થતાં એઝબેસ્ટનમાં ચહેરા ચીતરાઇને આવેલી પાકિસ્તાની યુવતીઓ રડતી દેખાઇ હતી. પાકિસ્તાનના ઝંડા લઇ આવેલા પાકિસ્તાની ટેકેદારો ક્રોધિત થઇ પાકિસ્તાની ક્રિકેટરોને ગાળો ભાંડતા હતા. કેટલાક એવું બોલતા હતા કે, “હમ ઇંગ્લેન્ડ, શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ કે સાઉથ આફ્રિકા સામે હારી જઇએ તો દુ:ખ નથી થતું પણ ભારત સામે રમવું એટલે અમારે માટે યુધ્ધ લડવા જેવું છે. દર વખતે ભારતના હાથે પાકિસ્તાન માર ખાય એ અમારાથી સહેવાતું નથી".
પાકિસ્તાની ટી.વી. મિડિયાએ પણ પાકિસ્તાનને શિકસ્ત મળતાં રડવાનું શરૂ કર્યું હતું. કરાંચીમાં તો એક ખુલ્લા પાર્કમાં વિશાળ ટી.વી સ્ક્રીન મૂકવામાં આવ્યો હતો. પાકિસ્તાનને જીતવાની ગળા સુધી ખાતરી ધરાવનારા પાકિસ્તાની યુવાન-યુવતીઓએ એમના ક્રિકેટરોને બેફામ ગાળો દીધી હતી. કેટલાકે તો ગુસ્સે ભરાઇને એમના ઘરનાં ટી.વી. તોડી નાખ્યાં હતાં.