ધરમશાલા: પહેલાં વેસ્ટ ઇન્ડિઝ અને હવે શ્રીલંકા. ટીમ ઇંડિયાને સતત બીજી ટી20 શ્રેણીમાં પ્રતિસ્પર્ધી ટીમનો 3-0 વ્હાઇટવોશ કરીને વિજયપતાકા લહેરાવ્યા છે. શ્રેયસ ઐયરે વિસ્ફોટ ફોર્મ જારી રાખતાં સળંગ ત્રીજી ટી20માં અડધી સદી સાથે 45 બોલમાં અણનમ 73 રન નોંધાવીને ભારતને શ્રીલંકા સામેની ત્રીજી અને આખરી ટી૨૦માં છ વિકેટથી વિજય અપાવ્યો હતો. શ્રીલંકાએ સાત વિકેટે ૧૪૭ રન કર્યા હતા, જેના જવાબમાં ભારતે 16.5 ઓવરમાં સાત વિકેટના ભોગે વિજયી લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.
ભારતે આ સાથે શ્રીલંકાનો પણ ટી20 શ્રેણીમાં વ્હાઈટવોશ કર્યો હતો. સાથોસાથ ભારતે ટી-૨૦ ઈન્ટરનેશનલમાં સૌથી વધુ સતત 12 મેચ જીતવાના અફઘાનિસ્તાન-રોમાનિયાના રેકોર્ડની બરોબરી કરી છે. રોહિતની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ સળંગ ચોથી વ્હાઈટબોલની અને સળંગ ત્રીજી ટી20 શ્રેણી ક્લિનસ્વીપ કરી હતી.
ઐયરને પ્લેયર ઓફ ધ મેચ અને પ્લેયર ઓફ ધ સિરિઝ જાહેર કરાયો હતો. તેણે શ્રીલંકા સામેની પ્રથમ ટી20માં 28 બોલમાં અણનમ 57 અને બીજી ટી20માં 44 બોલમાં અણનમ 74 રન નોંધાવ્યા હતા. ભારતે જીતવા માટેના 147ના ટાર્ગેટને માત્ર 16.5 ઓવરમાં જ ચાર વિકેટ ગુમાવીને પાર પાડયો હતો.
શ્રેયસ ઐયરની ઝંઝાવાતી બેટીંગ
કોહલીના સ્થાને ટીમમાં સમાવાયેલા શ્રેયસ ઐયરે શ્રીલંકા સામેની ત્રીજી ટી૨૦માં પણ શાનદાર બેટીંગ કરતાં અડધી સદી ફટકારી હતી. તેણે 45 બોલમાં 9 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે અણનમ 73 રન કર્યા હતા. રોહિત સસ્તામાં આઉટ થયો તે પછી શ્રેયસે સેમસન (18) સાથે ૨૮ બોલમાં ૪૫ રન જોડયા હતા. તેણે હૂડા (21) સાથે 38 અને વેંકટેશ (5) સાથે 14 રનની ભાગીદારી કરી હતી. આખરે તેની અને જાડેજાની 27 બોલમાં અણનમ 45 રનની ભાગીદારી ભારત માટે નિર્ણાયક સાબિત થઈ હતી. શ્રીલંકાએ ત્રીજી ટી20માં ટોસ જીતીને બેટીંગ લેતાં આશ્ચર્ય ફેલાયું હતું. તેમની શરૂઆત સારી રહી નહોતી. પહેલી જ ઓવરમાં શૂન્ય રને સિરાજે ગુણાથિલાકાની વિકેટ ગુમાવી હતી.
આ પછી અવેશ ખાને નિસાંકા (1) અને અસાલન્કા (4)ની વિકેટ ઝડપતાં શ્રીલંકાનો સ્કોર ત્રણ વિકેટે 11 રન થયો હતો. આ પછી 9 રનના વ્યક્તિગત સ્કોરે લિયાનાગે બિશ્નોઈનો શિકાર બન્યો હતો. આમ શ્રીલંકાએ 29 રનમાં ચોથી વિકેટ ગુમાવી ત્યારે તેઓ 100 રને માંડ પહોચી શકશે તેમ લાગતું હતું.