મુંબઇઃ પાકિસ્તાની અમ્પાયર અસદ રઉફને ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)એ પાંચ વર્ષ માટે પ્રતિબંધિત કર્યા છે. બોર્ડની શિસ્ત સમિતિએ રઉફને ભ્રષ્ટ કાર્યમાં સંડોવણી ઉપરાંત રમતની છબીને હાનિ પહોંચાડવાના આક્ષેપોમાં દોષિત ઠરાવ્યા છે. આઇસીસી એલિટ પેનલમાં સામેલ અને ટેસ્ટ મેચોમાં અમ્પાયરની ભૂમિકા અદા કરી ચૂકેલા ૫૯ વર્ષીય રઉફ પર આઇપીએલ ૨૦૧૩ની ટૂર્નામેન્ટ વેળા મેચોમાં સટ્ટો રમવાનો તથા બુકીઓ પાસેથી મૂલ્યવાન ભેટો સ્વીકારવાનો આક્ષેપ હતો. બોર્ડના પ્રમુખ શશાંક મનોહરના નેતૃત્વ હેઠળ સમિતિએ આખરે રઉફ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે તેવી જાહેરાત કરી હતી.