લાહોર: પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ના ભૂતપૂર્વ પ્રમુખ શહરયાર ખાનનું શનિવારે નિધન થયું હતું. 89 વર્ષના શહરયાર ક્રિકેટ પ્રશાસકની સાથે રાજકારણી પણ રહ્યા હતા. 2000ના દશકામાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના ક્રિકેટ સંબંધો પુનઃજીવિત કરવામાં તેમની ભૂમિકા મહત્ત્વપૂર્ણ રહી હતી. તેમણે 2003થી 2006 સુધી પીસીબીની જવાબદારી સંભાળી હતી. તેમના કાર્યકાળમાં ભારતે બે વખત પાકિસ્તાનનો પ્રવાસ ખેડયો હતો. તેઓ 2014થી 2017 સુધી પીસીબીના ચેરમેન રહ્યા હતા. તેમણે 1999માં ભારતનો પ્રવાસ ખેડયો હતો અને 2003ના વન-ડે વર્લ્ડ કપમાં પાકિસ્તાનના ટીમ મેનેજર પણ રહ્યા હતા. પીસીબી અને વર્તમાન તથા ભૂતપૂર્વ ક્રિકેટર્સે શહરયારને શ્રદ્ધાંજલિ પણ આપી હતી. શહરયાર ચેરમેનપદે રહ્યા હતા ત્યારે તેમનો વિવાદો સાથે પણ નાતો રહ્યો હતો. તેમણે 2006માં ઇંગ્લેન્ડ સામે પાકિસ્તાનના ઓવલ ટેસ્ટમાં હાર્યા બાદ ટીમના ટેમ્પરરી સુકાની ઈન્ઝમામ ઉલ હક ઉપર પ્રશ્નાર્થ કર્યા હતા. તેમણે પરાજય માટે હકને જવાબદાર ગણાવ્યો હતો.
ભોપાલના શાહી પરિવારમાં જન્મ
પીસીબીના ચેરમેન શહરયારનો ભારત સાથે પણ નાતો રહ્યો છે. તેમનો જન્મ ભોપાલમાં થયો હતો અને તેઓ શાહી પરિવારના હતા. શહરયાર ભારતના ભૂતપૂર્વ સુકાની મન્સૂર અલી ખાન પટૌડીના પિતરાઈ હતા. તેમણે ભારત અને ઇંગ્લેન્ડના હાઇ કમિશનરપદે પણ કાર્ય કર્યું હતું.