લાહોરઃ પાકિસ્તાનની ક્રિકેટ ટીમના નવા કોચ તરીકે સાઉથ આફ્રિકાના મિકી આર્થરની નિમણૂંક કરવામાં આવી છે. મિકી આર્થર સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાની ટીમના કોચ રહી ચૂક્યા છે અને હવે તેઓ પાકિસ્તાનની ક્રિકેટ ટીમના કોચ તરીકે વકાર યુનુસનું સ્થાન લેશે. પાકિસ્તાનના ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપમાં કંગાળ પર્ફોમન્સ બાદ વકાર યુનુસે ચીફ કોચ તરીકે રાજીનામું આપી દીધું હતું.
ટીમના કોચ તરીકે મિકી આર્થરની નિમણૂંકની જાહેરાત કરતાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે (પીસીબી)એ જણાવ્યું હતું કે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે નવા કોચ તરીકે આર્થર પર પસંદગી ઉતારી છે અને તેમણે પણ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રસ્તાવને સ્વીકારી લીધો છે. આર્થર ચાલુ મહિનાના અંત સુધીમાં જ પાકિસ્તાનની ક્રિકેટ ટીમની સાથે જોડાઈ જશે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં યોજાયેલી પાકિસ્તાન સુપર લીગ ટ્વેન્ટી-૨૦માં આર્થર કરાચી કિંગ્સ ટીમના કોચ હતા. હવે તેઓ પાકિસ્તાનની ટીમને કેવી રીતે જીતની રાહ પર લાવવામાં સફળ થાય છે, તે જોવાનું રહેશે. અગાઉના કોચ વકાર યુનુસે ભારે રોષ અને નારાજગી સાથે રાજીનામું આપ્યા બાદ જણાવ્યું હતુ કે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ તેની એક પણ ભલામણ માનવા માટે તૈયાર નથી અને આવી પરિસ્થિતિમાં કામ કરવું મુશ્કેલ બનતાં તેણે વિદાય લીધી છે.