એડિલેડઃ ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને બીજી ડે-નાઇટ ટેસ્ટમાં એક ઇનિંગ અને ૪૮ રને હરાવ્યું છે. આ સાથે જ યજમાન ટીમે બે મેચની સીરિઝ ૨-૦થી જીતી લીધી છે. પાકિસ્તાનનો આ ઓસ્ટ્રેલિયામાં સળંગ ૧૪મો પરાજય છે. આ સાથે જ પાક. એક દેશમાં સતત સૌથી વધુ મેચ હારનારી ટીમ બની ગઇ છે. આ અગાઉ બાંગલાદેશ તેના ઘરઆંગણે ૨૦૦૧થી ૨૦૦૪ દરમિયાન સતત ૧૩ મેચ હાર્યું હતું.
પાક. ટીમે ઓસ્ટ્રેલિયામાં છેલ્લા ૨૦ વર્ષમાં એક પણ વિજય મેળવ્યો નથી. ૧૯૯૯થી અત્યાર સુધીની તમામ સીરિઝમાં ઓસ્ટ્રેલિયામાં કિલન સ્વીપ કર્યું છે. ડે-નાઇટ ટેસ્ટ મેચના ચોથા દિવસે પાકિસ્તાની ટીમ ઇનિંગ્સમાં ૨૩૯ રન કરીને ઓલઆઉટ થઇ ગઇ હતી. શાન મસૂદે ૬૮ અને અસદ શફીકે ૫૭ રન કર્યા હતા. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવ ડિક્લેર કર્યો હતો.
ઓસ્ટ્રેલિયાને પ્રથમ વાર કોઇ ડે-નાઇટ ટેસ્ટમાં માત્ર ૩ વિકેટ ગુમાવીને જીત મળી છે. મેચમાં ઝડપી બોલર સ્ટાર્કે ૭ અને સ્પિનર નાથન લાયને ૫ વિકેટ ઝડપી હતી. મેચમાં અણનમ ૩૩૫ રન કરનાર ડેવિડ વોર્નરને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. જ્યારે સીરિઝમાં ૪૮૯ રન કરનાર વોર્નર પ્લેયર ઓફ ધ સીરિઝ બન્યો હતો.