બાસેલઃ ભારતીય બેડમિંટનમાં અત્યાર સુધી ‘સિલ્વર સ્ટાર’ તરીકેની ઓળખ ધરાવતી પુસાર્લા વેંકટા સિંધુએ આખરે તેની પ્રતિભાને પુરવાર કરતાં ‘ગોલ્ડન ગર્લ’ તરીકે ઓળખ પ્રસ્થાપિત કરી દીધી છે. સિંધુએ સ્વિત્ઝર્લેન્ડના બાસેલમાં રમાયેલી વર્લ્ડ ચેમ્પિયનશીપમાં જાપાનીઝ ખેલાડી ઓકુહારાને હરાવીને ફાઈનલમાં શરણાગતિ સ્વીકારી લેવાના સિલસિલાનો અંત આણ્યો છે. સિંધુ છેલ્લી છ મેજર ટુર્નામેન્ટની ફાઈનલમાં હારી ચૂકી હોવાથી તેના પર પણ જીતવાનું ભારે દબાણ હતું, પરંતુ તેણે પ્રચંડ આત્મવિશ્વાસ સાથે આક્રમક રમત રમીને જ્વલંત વિજય હાંસલ કર્યો છે.
અગાઉ ભારતના સાઈ પ્રણીતે વર્લ્ડ ચેમ્પિયનશીપની મેન્સ સિંગલ્સ કેટેગરીમાં ભારતને ૩૬ વર્ષ બાદ મેડલ અપાવ્યો હતો. છેલ્લે ૧૯૮૩માં ભારતના લેજન્ડરી ખેલાડી પ્રકાશ પદુકોણે વર્લ્ડ ચેમ્પિયનશીપમાં બ્રોન્ઝ જીત્યા હતા. સાઈ પ્રણીતને સેમિ-ફાઇનલમાં વર્લ્ડ નંબર વન જાપાનીઝ ખેલાડી કેન્ટો મોમોટા સામે ૧૩-૨૧, ૮-૨૧થી પરાજયનો સામનો કરવો પડયો હતો. છતાં તે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
પી.વી. સિંધુએ આ સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે કારકિર્દીનું સૌપ્રથમ મેજર ટાઈટલ જીત્યું હતુ. સિંધુ અગાઉ ભારતનો કોઈ ખેલાડી વર્લ્ડ બેડમિંટન ચેમ્પિયનશીપ જીતી શક્યો નથી.
સિંધુને આ પૂર્વે ૨૦૧૭ અને ૨૦૧૮ની ફાઈનલ્સમાં અનુક્રમે ઓકુહારા અને કેરોલિના મરીન સામે હારીને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડયો હતો. વિમેન્સ સિંગલ્સની સેમિ-ફાઈનલમાં સિંધુએ ચીનની ચેન યુફેઈને ૨૧-૭, ૨૧-૧૪થી પરાજય આપ્યો હતો. જ્યારે બીજી સેમિ-ફાઇનલમાં ઓકુહારાએ થાઈલેન્ડની રાટ્ચાનોક ઈન્થાનોનને ૧૭-૨૧ ૨૧-૧૮ ૨૧-૧૫થી પરાસ્ત કરી હતી.
આંખોમાં આંસુ રોકી શકી નહીં
વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશીપની ફાઈનલમાં ગોલ્ડ મેડલ જીત્યો ત્યારે નહીં પણ મેડલ સેરેમની વેળા આપણું રાષ્ટ્રગીત વાગ્યું ત્યારે હું મારા આંસુ રોકી શકી નહોતી તેમ વિશ્વવિજેતા સિંધુએ જણાવ્યું છે. સિંધુએ જણાવ્યું હતું કે મેડલ સેરેમની વખતે રાષ્ટ્રધ્વજ જોયો અને રાષ્ટ્રગીત સાંભળ્યું ત્યારે મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા હતા. હું છેલ્લા ઘણા અરસાથી વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ જીતવા માટે તનતોડ તૈયારી કરી રહી હતી. આખરે, મારી ઈંતેઝારીને અંત આવ્યો છે. છેલ્લી બંને વર્લ્ડ ચેમ્પિયનશીપ વેળા હું ફાઇનલમાં પહોંચ્યા બાદ ગોલ્ડ જીતવામાં નિષ્ફળ રહી ત્યારે મારી સામે સવાલો કરાયા હતા. આ વખતે મેં ફાઈનલમાં ગોલ્ડ જીતીને મારા ટીકાકારોની બોલતી બંધ કરી છે.
માતાને બર્થ-ડે ગિફ્ટ
સિંધુએ તેની કારકિર્દીનું પ્રથમ વર્લ્ડ ચેમ્પિયનશીપ ટાઇટલ તેની માતાને અર્પણ કર્યો હતો. વર્લ્ડ ટાઈટલ જીત્યા બાદ ખુશખુશાલ સિંધુએ કહ્યું હતું કે, આ ગોલ્ડ મેડલ મારા માટે ખાસ હોવાનું એક કારણ એ પણ છે કે આજે મારી માતાનો જન્મદિવસ છે અને હું આ મેડલ મારી માતાને અર્પણ કરું છું. આ સાથે સાથે મારા કોચ ગોપીચંદ અને સાઉથ કોરિયન કોચ કિમ જી હ્યુનનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું. છેલ્લે હું અહીં બે ફાઈનલ્સ હારી હતી અને તે અગાઉ પણ મેજર ચેમ્પિયનશીપની ફાઈનલમાં પરાસ્ત થઈ હતી. આથી મારા પર ટૂર્નામેન્ટ જીતવાનું ભારે દબાણ હતું અને હું ખુશ છું કે મેં તે કરી બતાવ્યું. દર્શકોના સપોર્ટ બદલ આભાર.