મુંબઈ: પોતાની લેગ સ્પિન બોલિંગથી વિશ્વભરના બેટ્સમેનો માટે ક્રિઝ પર ટકવાનું મુશ્કેલ કરી દેનાર ભારતીય સ્પિનર યુજવેન્દ્ર ચહલે પોતાની સાથે થયેલા શારીરિક ઉત્પીડનનો ઘટસ્ફોટ કર્યો છે. ચહલે 2013ની એક ખોફનાક ઘટના અંગે જણાવ્યું છે કે જ્યારે હું આઇપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમતો હતો ત્યારે નશામાં ધૂત થયેલા એક ખેલાડીએ મને હોટેલના 15મા માળે બાલ્કનીની બહાર લટકાવી દીધો હતો. બેંગ્લોરમાં એક મેચ બાદ અમારી પાર્ટી હતી. અમારો એક સાથી ખેલાડી નશામાં ચૂર હતો અને તે મને નફરતથી જોઈ રહ્યો હતો. તેણે મને એક ખૂણામાં બોલાવ્યો હતો અને પછીથી મને બાલ્કનીની બહાર લટકાવી દીધો હતો. જોકે ચહલે આ ખેલાડીના નામનો ઘટસ્ફોટ કર્યો નથી.
સાથી ખેલાડી મદદે દોડ્યા
ચહલે જણાવ્યું હતું કે આ ઘટનાની કેટલાક લોકોને ખબર છે, પણ મેં ક્યારેય આ બાબતનો ઉલ્લેખ કર્યો નહોતો. જોકે હવે લોકોને જાણવા મળશે. વિદેશી ખેલાડીએ (સંભવિત ઓસ્ટ્રેલિયન ખેલાડી સાયમન્ડ્સે) મને બાલ્કનીની બહાર લટકાવ્યો હતો. ત્યારે મેં મારા બંને હાથથી તેનું ગળું પકડી રાખ્યું હતું. અમે 15મા માળે હતા અને જો મારા હાથ છૂટી ગયા હોત તો... સાથી ખેલાડીઓએ તાત્કાલિક આવીને મામલો સંભાળ્યો હતો. હું આ ઘટના બાદ બેભાન જેવો થઈ ગયો હતો અને મને પાણી આપવામાં આવ્યું હતું. આ ઘટના એવી હતી જ્યાં મારો માંડ માંડ જીવ બચ્યો હતો. જો નાની પણ ભૂલ થઈ હોત તો હું 15મા માળેથી નીચે પટકાયો હતો.
તેને તાત્કાલિક સસ્પેન્ડ કરોઃ શાસ્ત્રી
આઈપીએલમાં યુજવેન્દ્ર ચહલની કારકિર્દીના પ્રારંભે થયેલા શારીરિક ઉત્પીડન અંગે ભારતના ભૂતપૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે દોષિત ક્રિકેટરને ક્યારેય મેદાનની નજીક ફરકવા પણ દેવો જોઈએ નહીં. ચહલને 15મા માળની બાલ્કનીની બહાર લટકાવી દેવો તે કોઈ મજાક નથી. આ ઘટનામાં કયો ક્રિકેટર છે તેની મને ખબર નથી, પરંતુ જો આવું કંઇ બન્યું હોય તો મોટી ચિંતાનો વિષય છે. કોઈનું જીવન જોખમમાં હતું અને કેટલાક લોકોને આ મજાક લાગતી હશે પરંતુ આ અત્યંત ગંભીર બાબત છે કારણ કે તે સમયે ક્રિકેટર નશામાં ધૂત હતો. શાસ્ત્રીએ જણાવ્યું હતું કે જેણે પણ કર્યું હતું તે માનસિક યોગ્ય સ્થિતિમાં નહોતો. કેટલીક મજાક ગંભીર પરિણામમાં ફેરવાતી હોય છે. હું પ્રથમ વખત આવું સાંભળી રહ્યો છું. ઘટનાના દોષિતને આજીવન પ્રતિબંધિત કરવો જોઈએ. ખેલાડીઓ આવી ઘટનાની તાત્કાલિક જાણકારી આપે તે જરૂરી છે.
ફ્રેન્કલિન અને સાયમન્ડ્સે હાથ-પગ બાંધીને મને રૂમમાં પૂરી દીધો હતો
ચહલે જણાવ્યું હતું કે 2011માં જ્યારે મુંબઈની ટીમ ચેમ્પિયન બની હતી ત્યારે અમે ચેન્નઈમાં હતા. ઓસ્ટ્રેલિયન ખેલાડી સાયમન્ડ્સે વધારે પડતો જ્યૂસ (દારૂ) પી લીધો હતો. જેમ્સ ફ્રેન્કલિનનો સાથ લઇને તેણે મારા હાથ અને પગ બાંધ્યા બાદ મોંઢા ઉપર પટ્ટી લગાવીને તેઓ મને રૂમમાં ગોંધીને જતા રહ્યા હતા. તેમણે મને એટલું કીધું હતું કે હવે તારે તારી જાતને ખોલવાની છે. તેઓ નશામાં એટલા બધા ધૂત હતા કે બાદમાં તેઓ મને ભૂલી ગયા હતા. સવારે જ્યારે રૂમ સર્વિસ માટે વ્યક્તિ આવ્યો હતો ત્યારે તેણે મારી હાલત જોઇને અન્ય લોકોને બોલાવ્યા હતા અને મારા હાથ-પગ ખોલવામાં આવ્યા હતા. મેં પૂરી રાત બાંધેલા હાથ-પગ સાથે પસાર કરી હતી. સાયમન્ડ્સ અને ફ્રેન્કલિને સવારે માફી પણ માગી નહોતી. બીજા દિવસે જ્યારે મેં તેમને આ ઘટના વિશે કહ્યું તો સાયમન્ડ્સે હસતાં હસતાં કહ્યું હતું કે ફ્રૂટ જ્યુસ (દારૂ) પીધા પછી બીજા દિવસે સવારે તેને કંઇ યાદ રહેતું નથી.