કેન્ટકી: પૂજા તોમર અલ્ટીમેટ ફાઈટિંગ ચેમ્પિયનશિપ(યુએફસી)માં જીતનાર પ્રથમ મિક્સ્ડ માર્શલ ફાઈટર બની છે. પહેલીવાર આ પ્રકારની ટૂર્નામેન્ટમાં ભાગ લેનારી પૂજાએ યુએફસી લુઈસવિલેમાં શનિવારે બ્રાઝિલની રેયાન ડોસ સેન્ટોસ સામે 30-27. 27-30, 29-28 સ્ટ્રોવેટ (52 કિગ્રા) મુકાબલામાં વિજય મેળવ્યો હતો.
પૂજાએ મેચ બાદ જણાવ્યું હતું કે, આ માત્ર મારી જીત નથી. આ જીત ભારતના પ્રશંસકો અને દરેક ભારતીય ફાઈટરની છે. આ પહેલાં બધા વિચારતા હતા કે ભારતીય ફાઈટર ક્યારેય આ સ્પર્ધા જીતી નહીં શકે. જ્યારે હું ખાલી જીત માટે જ વિચારી રહી હતી અને મેં કરી બતાવ્યું કે ભારતીય ફાઈટર હારવાવાળામાં સામેલ નથી.
‘સાઈક્લોન'ના નામથી પ્રચલિત 30 વર્ષીય પૂજાએ 2023ના ઓક્ટોબરમાં યુએફસીની સાથે કોન્ટ્રાક્ટ કર્યો હતો અને આ રીતે તે મિક્સ્ડ માર્શલ આર્ટ્સની ટૂર્નામેન્ટમાં ભાગ લેનાર ભારતની પહેલી મહિલા બની હતી. તે પહેલાં અંશુલ જુબલી અને ભરત કંડારેએ યુએફસીના મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું, પરંતુ તેમાંથી કોઇ ક્યારેય વિજયી થયું નહોતું. ઉત્તર પ્રદેશના મુજફ્ફરનગરના બુઢાણા ગામમાં જન્મેલી પૂજા પાંચ વાર નેશનલ વુશુ ચેમ્પિયન રહી ચૂકી છે અને તેણે કરાટે અને ટેક્વાન્ડોમાં પણ ભાગ લીધો છે.